Kerala Murder Case: 2008ના હત્યા કેસમાં વોન્ટેડ સુજીત કુમારને UAEથી ભારત લવાયો, CBIએ કરાવ્યું પ્રત્યાર્પણ

Kerala Murder Case: 2008ના હત્યા કેસમાં વોન્ટેડ સુજીત કુમારનું CBIએ UAEથી પ્રત્યર્પણ કરાવ્યું. 25 નવેમ્બરે આરોપીને કોચીન લાવવામાં આવ્યો.
Kunjan Shukal
Kunjan Shukal
વોન્ટેડ સુજીત કુમારને UAEથી ભારત લવાયોવોન્ટેડ સુજીત કુમારને UAEથી ભારત લવાયો

વોન્ટેડ સુજીત કુમારને UAEથી ભારત લવાયો

Kerala Murder Case: વર્ષ 2008ના હત્યા કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા આરોપી સુજીત કુમારને ભારત લાવવામાં CBIને સફળતા મળી છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ સંયુક્ત પ્રયાસો દ્વારા આરોપીનું સંયુક્ત આરબ અમીરાત (UAE)થી પ્રત્યર્પણ કરાવ્યું છે. આરોપીને હાલ કેરળ પોલીસને સોંપવામાં આવ્યો છે.

હુમલાખોરોએ પીડિતને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી

CBIના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી વિદેશ મંત્રાલય (MEA), કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) અને કેરળ પોલીસના સંકલનથી કરવામાં આવી હતી. કેરળમાં નોંધાયેલા હત્યાના એક ગંભીર ગુનામાં સુજીત કુમાર લાંબા સમયથી વોન્ટેડ હતો. મળતી માહિતી મુજબ, ઓક્ટોબર 2008માં જૂની અદાવતને લઈને સુજીત કુમાર અને અન્ય આરોપીઓએ ઘાતક હથિયારો સાથે ગેરકાયદેસર ટોળકી બનાવી હતી. આ દરમિયાન રસ્તા પર ફરિયાદી સાથે વાત કરી રહેલા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ પીડિતને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. આ કેસમાં સક્ષમ અદાલતમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે.

સુજીત કુમારને લઈને પોલીસ ટીમ કોચીન પહોંચી

આરોપીને પકડવા માટે કેરળ પોલીસની વિનંતી બાદ નવી દિલ્હીના NCB દ્વારા ઈન્ટરપોલ મારફતે તેની સામે રેડ નોટિસ જાહેર કરાવવામાં આવી હતી. આ નોટિસના આધારે UAEના અધિકારીઓએ આરોપીનું લોકેશન શોધી તેની ધરપકડ કરી હતી. જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ UAE દ્વારા તેને ભારત પરત મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી.

CBIના સંકલનથી કેરળ પોલીસની એક ટીમ UAE પહોંચી હતી અને આરોપીનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ 25 નવેમ્બરે સુજીત કુમારને લઈને પોલીસ ટીમ કોચીન પહોંચી હતી. CBIએ વધુમાં જણાવ્યું કે ભારતમાં ઇન્ટરપોલના નેશનલ સેન્ટ્રલ બ્યુરો તરીકે તે ભારતપોલના માધ્યમથી દેશભરની તપાસ એજન્સીઓ સાથે સંકલન કરે છે. વર્ષ 2019થી અત્યાર સુધી ઈન્ટરપોલના સહયોગથી 300થી વધુ વોન્ટેડ આરોપીઓને ભારત પરત લાવવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2026 દરમિયાન પરત લાવવામાં આવેલા 76 ફરાર આરોપીઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Constitution Day : બંધારણ દિવસ પર PM નરેન્દ્ર મોદીનો દેશવાસીઓને સંદેશ, બાબાસાહેબને કર્યા નમન, વિકસિત ભારતનો સંકલ્પ દોહરાવ્યો