Balen Shah India Visit: નેપાળના PM બાલેન શાહ બે દિવસની રાજકીય મુલાકાતે ભારત પહોંચ્યા, PM મોદી સાથે થશે મહત્ત્વપૂર્ણ બેઠક

Balen Shah India Visit: નેપાળના વડાપ્રધાન બાલેન શાહ 2 દિવસની ભારત મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. 23 નવેમ્બરે PM મોદી સાથે બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
Nancy Shukal
Nancy Shukal
Balen Shah: નેપાળના PM બાલેન શાહની PM મોદી સાથે બેઠકBalen Shah: નેપાળના PM બાલેન શાહની PM મોદી સાથે બેઠક

Balen Shah: નેપાળના PM બાલેન શાહની PM મોદી સાથે બેઠક

Balen Shah India Visit: નેપાળના વડાપ્રધાન બાલેન શાહ રવિવારે, 22 નવેમ્બરે 2 દિવસની રાજકીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવેલા શાહનું એરપોર્ટ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન બન્યા બાદ બાલેન શાહની આ પ્રથમ ભારત મુલાકાત છે. માર્ચમાં પદ સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા પણ છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાલેન શાહ સોમવારે, 23 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને દેશોના સંબંધોના તમામ મહત્ત્વપૂર્ણ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.

23 નવેમ્બરે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક

નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયે જણાવ્યું હતું કે, 23 નવેમ્બરે બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. આ બેઠકમાં ભારત અને નેપાળ માટે મહત્ત્વના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. દ્વિપક્ષીય મંત્રણા બાદ બંને નેતાઓ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી નેપાળના વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળના સન્માનમાં સત્તાવાર ભોજન સમારંભનું આયોજન કરશે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પણ બાલેન શાહ સાથે શિષ્ટાચાર મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પણ મળશે.

35 સભ્યોનું સરકારી અને 52 સભ્યોનું વેપારી પ્રતિનિધિમંડળ

આ મુલાકાતમાં નેપાળના નાણામંત્રી સ્વર્ણિમ વાગલે, વિદેશમંત્રી શિશિર ખનાલ, વડાપ્રધાનના મુખ્ય સલાહકાર કુમાર બ્યંજનકર સહિતના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. કુલ 35 સભ્યોનું સરકારી પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે. આ સિવાય 52 સભ્યોનું અલગ વેપારી પ્રતિનિધિમંડળ પણ પોતાના ખર્ચે મુલાકાતમાં જોડાયું છે.

બંને દેશોના એજન્ડામાં કયા મુદ્દાઓ?

નેપાળની મુખ્ય પ્રાથમિકતાઓમાં ભારત પાસેથી વધારાના હવાઈ પ્રવેશ માર્ગ મેળવવા, 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂર બાદ પુનર્નિર્માણ માટે આર્થિક સહાય મેળવવા તેમજ વેપાર અને ટ્રાન્ઝિટ સંબંધિત બાબતોમાં રાહત મેળવવાનો સમાવેશ થાય છે.

બીજી તરફ, ભારત માટે નેપાળના હવાઈ ક્ષેત્ર સુધી વધુ સારી પહોંચ મેળવવી અને ખાસ કરીને ઊર્જા ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ માટે રોકાણનું અનુકૂળ વાતાવરણ ઊભું કરવું મહત્ત્વના મુદ્દા છે. બંને દેશો વચ્ચેની આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: Netherlands Foreign Minister: દિલ્હી પહોંચ્યા નેધરલેન્ડના વિદેશમંત્રી, એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય સહયોગ અંગે થશે ચર્ચા