India Sugar Production : ખાંડની અછત ટાળવા કેન્દ્રનો મોટો નિર્ણય, 10 લાખ ટન ડ્યૂટી ફ્રી આયાતની મુદત માર્ચ 2027 સુધી લંબાવાઈ


India Sugar Production ખાંડના ભાવને કાબૂમાં રાખવા કેન્દ્રનો મોટો નિર્ણય
India Sugar Production : ખાંડની અછત ટાળવા કેન્દ્રનો મોટો નિર્ણય, 10 લાખ ટન ડ્યૂટી ફ્રી આયાતની મુદત માર્ચ 2027 સુધી લંબાવાઈ


India Sugar Production ખાંડના ભાવને કાબૂમાં રાખવા કેન્દ્રનો મોટો નિર્ણય
India Sugar Production : કેન્દ્ર સરકારે 10 લાખ ટન ખાંડની ડ્યૂટી ફ્રી આયાત કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2026થી વધારીને હવે 31 માર્ચ 2027 સુધી લંબાવી છે. દેશમાં ખાંડનો પૂરતો પુરવઠો જાળવી રાખવા અને બજારમાં ભાવવધારો અટકાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
અલ નીનોની સંભવિત અસર અને નબળા ચોમાસાની આશંકાને કારણે આગામી સિઝનમાં શેરડીના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના કારણે દેશના ખાંડ ઉત્પાદન પર પણ અસર પડી શકે છે. આવી સ્થિતિમાં બજારમાં ખાંડની અછત ઊભી ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આયાતની મુદત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના ખાંડ ઉદ્યોગ પર અસરની આશંકા
આપેલી માહિતી મુજબ, દેશમાં ખાંડની વાર્ષિક માંગ અંદાજે 2.90 કરોડ ટન છે. જ્યારે વર્ષ 2026-27 દરમિયાન ખાંડનું ઉત્પાદન 2.75થી 2.80 કરોડ ટન વચ્ચે રહેવાનો અંદાજ છે. એટલે કે દેશની કુલ માંગની સરખામણીએ ઉત્પાદન ઓછું રહેવાની શક્યતા છે. આ તફાવતને ધ્યાનમાં રાખીને ખાંડની ઉપલબ્ધતા જાળવવા આયાતને વધુ સમય આપવાનો નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ખાંડના મુખ્ય ઉત્પાદક રાજ્યોની સાથે ગુજરાતમાં પણ શેરડીના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં અંદાજે એક લાખ ટન ખાંડનું ઉત્પાદન ઓછું થઈ શકે તેવો અંદાજ છે. આ અંગે ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે ચિંતા વ્યક્ત કરી છે.
શેરડીના વાવેતરમાં ઘટાડાની ભીતિ
ખાંડના ઉત્પાદન પર હવામાનની સ્થિતિ, વરસાદ અને શેરડીના પાકની ગુણવત્તાની સીધી અસર થતી હોય છે. જો આગામી સમયમાં ચોમાસું નબળું રહે અને શેરડીના વાવેતરમાં ઘટાડો થાય તો ખાંડના ઉત્પાદન પર વધુ અસર પડી શકે છે. તેની અસર ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો અને વેપારીઓ પર પણ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય પાછળ મુખ્ય ઉદ્દેશ બજારમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાનો અને ગ્રાહકોને ભાવવધારાથી રાહત આપવાનો છે.
હવે આગામી સમયમાં શેરડીના વાવેતર, ઉત્પાદન અને આયાતની સ્થિતિ પર સૌની નજર રહેશે. ખાસ કરીને ગુજરાતમાં ખાંડના ઉત્પાદનમાં અંદાજિત ઘટાડો કેટલો રહે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.




