Get News Alerts

Never miss breaking news updates.

Kerala Accident : કેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત: ઉભેલી લોરી સાથે કાર અથડાતા તમિલનાડુના 8 વિદ્યાર્થીનાં મોત

Kerala Accident : કેરળના ત્રિશૂર જિલ્લામાં શનિવારે અડધી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં તમિલનાડુના 8 વિદ્યાર્થીઓનાં મોત થયા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 05 Sep 2026 08:34 AM IST
Kerala Accident : કેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત: ઉભેલી લોરી સાથે કાર અથડાતા તમિલનાડુના 8 વિદ્યાર્થીનાં મોતKerala Accident : કેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત: ઉભેલી લોરી સાથે કાર અથડાતા તમિલનાડુના 8 વિદ્યાર્થીનાં મોત

Kerala Accident

Kerala Accident : પ્રાથમિક માહિતી મુજબ, વિદ્યાર્થીઓને લઈ જતી કાર પનમ્બિકુન્નુ સેન્ટર નજીક NH-66 પર ઉભેલી લૉરી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને વાહનના ફુરચા ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર, કાર ગુરુવાયુર તરફથી કોડુંગલ્લુર તરફ જઈ રહી હતી.

તે દરમિયાન રોડ પર કામ ચાલી રહ્યું હોવાના કારણે એક લૉરી ઉભી હતી. આ લૉરી સાથે કારની જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ કારને ભારે નુકસાન થયું હતું અને તેના કાચ સહિત અનેક ભાગો રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા.

એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ હતા કારમાં

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારમાં સવાર લોકો તમિલનાડુના ડિંડિગુલ ખાતે આવેલી એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ હતા. એક જ કોલેજના વિદ્યાર્થીઓ સાથે બનેલી આ કરુણ ઘટનાથી તેમના પરિવારજનો અને સમગ્ર શૈક્ષણિક જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ, ફાયર અને રેસ્ક્યુ સર્વિસની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કારનો મલબો કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

7 વિદ્યાર્થીઓના મોત ઘટનાસ્થળે જ થયા હતા

જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય એક વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. આમ આ અકસ્માતમાં કુલ 8 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. હાલ કેરળ પોલીસ દ્વારા મૃતકોની ઓળખ અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતદેહોને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરિવારજનોને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

NH-66 પર બનેલા આ ભયાનક અકસ્માતને કારણે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમની મદદથી બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. એક જ કોલેજના 8 વિદ્યાર્થીઓના અચાનક મોતથી તમિલનાડુથી લઈને કેરળ સુધી શોકની લાગણી પ્રસરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Nepal Flood : નેપાળમાં વિનાશક પૂરના કહેર વચ્ચે 166 ભારતીયોને બચાવાયા, 275 હજી લાપતા, મૃત્યુઆંક 1295ને પાર

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.