Nepal Flood : નેપાળમાં વિનાશક પૂરના કહેર વચ્ચે 166 ભારતીયોને બચાવાયા, 275 હજી લાપતા, મૃત્યુઆંક 1295ને પાર



Nepal Flood
Nepal Flood : નેપાળમાં વિનાશક પૂરના કહેર વચ્ચે 166 ભારતીયોને બચાવાયા, 275 હજી લાપતા, મૃત્યુઆંક 1295ને પાર



Nepal Flood
Nepal Flood : પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ બચાવ અને શોધખોળ કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં 166 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 275 ભારતીયો હજુ પણ લાપતા છે.
નેપાળ પૂર બાદ પણ તબાહીનો સિલસિલો
નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા વિનાશક પૂરની અસર માત્ર નેપાળના નાગરિકો પૂરતી મર્યાદિત રહી નથી. ભારતીયો સહિત અનેક લોકો આ કુદરતી આપત્તિની ઝપેટમાં આવ્યા છે. પૂરના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં લોકો લાપતા બન્યા છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકાર નેપાળ સરકારના સતત સંપર્કમાં છે અને લાપતા ભારતીયોની શોધખોળ અંગે નેપાળના અધિકારીઓ સાથે સંકલન કરી રહી છે. અત્યાર સુધીમાં 166 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 275 ભારતીયો હજુ લાપતા હોવાનું જણાવાયું છે.
નેપાળમાં 275 ભારતીયો હજુ લાપતા
આ ઉપરાંત ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાંથી 1907 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે નેપાળ પહોંચાડવામાં આવ્યા છે. હવે તિબેટ વિસ્તારમાં કોઈ ભારતીય મુસાફર ફસાયેલો ન હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવકર્મીઓ દ્વારા વધુ મૃતદેહો મળી આવતા પૂરમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને ઓછામાં ઓછા 1295 થઈ ગઈ છે. બીજી તરફ, બચાવ અને શોધખોળ કામગીરી દરમિયાન 12,000થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અંદાજે 5000 લોકો હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે.
ભારતે નેપાળની મદદ માટે અત્યાર સુધીમાં સાત વિમાનો મારફતે આશરે 95 ટન રાહત સામગ્રી મોકલી છે
જરૂરિયાત મુજબ ભારત વધુ ફોરેન્સિક કિટ, બેલી બ્રિજ અને અન્ય જરૂરી સામગ્રી મોકલવાની તૈયારીમાં છે. રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે ભારતે નેપાળમાં 54 કર્મચારીઓને પણ મોકલ્યા છે. તેમાં 30 સુરંગ બચાવ નિષ્ણાતો, 19 ફોરેન્સિક નિષ્ણાતો અને પાંચ સભ્યોની તબીબી ટીમનો સમાવેશ થાય છે. ભારતીય બચાવ અને ફોરેન્સિક ટીમો નેપાળના અધિકારીઓ સાથે મળીને સ્થળ પર કામગીરી કરી રહી છે. વિનાશક પૂર બાદ હજુ પણ મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાથી શોધખોળ અને રાહત કામગીરી પર સમગ્ર વિશ્વની નજર છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



