Get News Alerts

Never miss breaking news updates.

મહારાષ્ટ્રના ગોંદિયા પાસે ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક-બોલેરોની ટક્કરમાં 6નાં મોત; ગેસ કટરથી કાઢ્યા મૃતદેહ

Gondia Road Accident: મહારાષ્ટ્રના ગોંદિયા નજીક સોમવારે મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગોંદિયા-બાલાઘાટ રાજ્ય ધોરીમાર્ગ પર નાગરા ગામ નજીક એક ઝડપી ટ્રકે સામેથી આવી રહેલી મજૂરોથી ભરેલી બોલેરોને...
R Gajjar
R GajjarUpdated on: 08 Sep 2026 01:46 PM IST
મહારાષ્ટ્રના ગોંદિયા પાસે ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક-બોલેરોની ટક્કરમાં 6નાં મોત; ગેસ કટરથી કાઢ્યા મૃતદેહમહારાષ્ટ્રના ગોંદિયા પાસે ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક-બોલેરોની ટક્કરમાં 6નાં મોત; ગેસ કટરથી કાઢ્યા મૃતદેહ

Gondia Road Accident

Gondia Road Accident: મહારાષ્ટ્રના ગોંદિયા નજીક સોમવારે મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગોંદિયા-બાલાઘાટ રાજ્ય ધોરીમાર્ગ પર નાગરા ગામ નજીક એક ઝડપી ટ્રકે સામેથી આવી રહેલી મજૂરોથી ભરેલી બોલેરોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોના ફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં 3 વર્ષના માસૂમ બાળક સહિત કુલ 6 લોકોનાં મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

રોજગારીની શોધમાં નીકળેલા મજૂરોનો સફર બન્યો અંતિમ સફર

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના કિરનાપુર અને લાંજી તાલુકાના અલગ-અલગ ગામોના મજૂરો પરિવાર સાથે મજૂરીના કામ માટે બોલેરો નંબર MP-15 T 3495માં તેલંગાણા, હૈદરાબાદ તરફ જઈ રહ્યા હતા. રાત્રે આશરે 11:30 વાગ્યે ગોંદિયા શહેરથી લગભગ 5 કિલોમીટર દૂર નાગરા નજીક પહોંચતા સામેથી બાલાઘાટ તરફથી ગોંદિયા તરફ આવી રહેલા ટ્રક નંબર MH-35 AJ-2547એ બોલેરોને સીધી ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર કે ગાડીના ફુરચા ઉડ્યા

ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બોલેરો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને મૃતકો તથા ઈજાગ્રસ્તો ગાડીના કાટમાળમાં ફસાઈ ગયા હતા. માહિતી મળતા જ ગોંદિયા ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. ગાડીમાં ફસાયેલા મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ 6 લોકોને મૃત જાહેર કર્યા હતા.

ટ્રક ડ્રાઈવર સામે FIR નોંધાઈ

આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત રાજેન્દ્ર શિવચરણ પંધારેના નિવેદનના આધારે ગોંદિયા ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક મોહસિન ખાન (ઉંમર 32 વર્ષ) વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 281, 106(1), 125(a), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 184 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટર વૈભવ પવારના માર્ગદર્શન હેઠળ મહિલા સહાયક પોલીસ ઉપનિરીક્ષક વર્ષા નૈતામ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહ્યા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]