ED Raid : મની લોન્ડરિંગ અને FEMA ઉલ્લંઘન કેસમાં EDની મોટી કાર્યવાહી, કોલકાતા-દિલ્હી-બેંગલુરુમાં 16 સ્થળોએ દરોડા


ED Raid
ED Raid : મની લોન્ડરિંગ અને FEMA ઉલ્લંઘન કેસમાં EDની મોટી કાર્યવાહી, કોલકાતા-દિલ્હી-બેંગલુરુમાં 16 સ્થળોએ દરોડા


ED Raid
ED Raid : મની લોન્ડરિંગ, નાણાકીય ગેરરીતિ અને વિદેશી હૂંડિયામણના નિયમોના કથિત ઉલ્લંઘનને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની અલગ-અલગ ટીમોએ બુધવારે કોલકાતા, દિલ્હી અને બેંગલુરુમાં કુલ 16 સ્થળોએ એકસાથે દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
વિવિધ કોર્પોરેટ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી
મળતી માહિતી મુજબ, કોલકાતામાં દક્ષિણ કોલકાતાના બે સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. આ સ્થળોમાં કેટલીક કોર્પોરેટ કંપનીઓના ડિરેક્ટરોના નિવાસસ્થાનોનો પણ સમાવેશ થાય છે. તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા બેન્ક એકાઉન્ટ્સ, નાણાકીય વ્યવહારો તેમજ વિવિધ કોર્પોરેટ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી કથિત મોટાપાયે નાણાકીય ગેરરીતિ, વિદેશી ચલણના વ્યવહારોમાં કથિત ગડબડ અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
EDની તપાસનો સંબંધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના કથિત ઉલ્લંઘન સાથે પણ હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર, તપાસ મેકનલી ભારત એન્જિનિયરિંગ કંપની લિમિટેડ (MBECL) પર નિયંત્રણ મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલા નાણાં અને તેની હેરફેર અંગે પણ કેન્દ્રિત છે. કંપનીના અધિગ્રહણ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને વ્યક્તિઓ સાથે જોડાયેલા સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
EDની અલગ-અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન
ED દ્વારા આ બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું Insolvency and Bankruptcy Code (IBC), 2016ની કલમ 29A હેઠળ અયોગ્ય ઠરી શકે તેવા વ્યક્તિઓ દ્વારા ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયાનો ઉપયોગ કરીને કંપની પર ફરીથી પરોક્ષ નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે નહીં. કોલકાતા ઉપરાંત દિલ્હી અને બેંગલુરુમાં પણ EDની અલગ-અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કુલ 16 સ્થળોએ હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ કથિત ગેરરીતિ અને નાણાકીય વ્યવહારો અંગે વધુ સ્પષ્ટ વિગતો સામે આવી શકે છે.





