Ankleshwar: પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ, 20 ભેંસો સાથે 2 આરોપી પકડાયા



Ankleshwar
Ankleshwar: પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ, 20 ભેંસો સાથે 2 આરોપી પકડાયા



Ankleshwar
Ankleshwar: અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર પશુઓની ગેરકાયદેસર હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. સરફુદ્દીન ગામ નજીક પોલીસ અને જીવદયા પ્રેમીઓની સંયુક્ત કામગીરીમાં એક બંધ બોડી કન્ટેનરમાંથી ક્રૂરતાપૂર્વક ભરેલી 20 જેટલી ભેંસોને રેસ્ક્યુ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે પશુઓ ભરાવી આપનાર અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
શંકાસ્પદ કન્ટેનરને આંતરી તપાસ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સરફુદ્દીન ગામ નજીકથી એક બંધ બોડી કન્ટેનર પસાર થઈ રહ્યું હતું. કન્ટેનરમાં પશુઓ હોવાની શંકા જતા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય અને તેમની ટીમે સ્થાનિક પોલીસની મદદથી કન્ટેનરને અટકાવ્યું હતું.
કન્ટેનરમાંથી 20 ભેંસો મળી
કન્ટેનર ખોલીને તપાસ કરતા અંદર લગભગ 20 ભેંસો અત્યંત મુશ્કેલ અને કથિત ક્રૂર પરિસ્થિતિમાં ભરેલી મળી આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનરમાં પશુઓ માટે હવા-ઉજાસ તથા ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા પણ નહોતી.
રૂ. 11.15 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે તમામ ભેંસોને કન્ટેનરમાંથી બહાર કાઢી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી હતી. પશુઓને પાંજરાપોળ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં પોલીસે આશરે રૂ. 3 લાખની કિંમતની 20 ભેંસો અને રૂ. 8 લાખની કિંમતનું બંધ બોડી કન્ટેનર સહિત કુલ રૂ. 11.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
કન્ટેનર ચાલક અને ક્લીનરની ધરપકડ
પોલીસે ઘટનાસ્થળેથી કન્ટેનર ચાલક રિઝવાન અબ્દુલ જબ્બાર મલેક, રહે. સિદ્ધપુર, પાટણ અને ક્લીનર મોહમ્મદ તાહિર જમીલ અહેમદ પઠાણ, રહે. સિદ્ધપુર, પાટણની ધરપકડ કરી છે.
બે આરોપી વોન્ટેડ
પ્રાથમિક પૂછપરછમાં પશુઓ અન્ય વ્યક્તિઓ દ્વારા કન્ટેનરમાં ભરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે અન્ય બે શખ્સોને આરોપી તરીકે દર્શાવી વોન્ટેડ જાહેર કર્યા છે. બંનેની ધરપકડ માટે તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે પોલીસ દ્વારા પશુઓ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા તે સહિતની દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Ankleshwar: ફરી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો, નર્મદા કિનારે બનાવથી ચકચાર




