Ambaji Temple Shree Visa Yantra: અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહીં, થાય છે શ્રી વિસા યંત્રની પૂજા; 14 નવેમ્બરે PM મોદી કરશે દર્શન

Ambaji Temple Shree Visa Yantra: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી મંદિર દેશનાં 51 શક્તિપીઠોમાં વિશેષ સ્થાન ધરાવે છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતા અંબાનાં દર્શન માટે આવે છે.
Nisha Parmar
Nisha Parmar
Ambaji Temple Banaskantha Shree Visa Yantra અંબાજી મંદિર દર્શનAmbaji Temple Banaskantha Shree Visa Yantra અંબાજી મંદિર દર્શન

Ambaji Temple Banaskantha Shree Visa Yantra અંબાજી મંદિર દર્શન

Ambaji Temple Shree Visa Yantra: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી મંદિર દેશનાં 51 શક્તિપીઠોમાં વિશેષ સ્થાન ધરાવે છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતા અંબાનાં દર્શન માટે આવે છે. પરંતુ આ મંદિરની એક ખાસ વાત બહુ ઓછા લોકો જાણે છે. અંબાજી મંદિરમાં માતાજીની કોઈ મૂર્તિ કે તસવીર સ્થાપિત નથી. અહીં મુખ્ય દેવતા તરીકે પવિત્ર 'શ્રી વિસા યંત્ર'ની પૂજા કરવામાં આવે છે. આ યંત્રનાં દર્શન સામાન્ય આંખોથી કરી શકાતા નથી અને તેની તસવીર લેવાની પણ મનાઈ છે. હવે 14 નવેમ્બરે લાભ પાંચમના પવિત્ર દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંબાજી પહોંચીને માતાજીનાં દર્શન અને પૂજા કરશે.

અંબાજી મંદિરમાં કોની થાય છે પૂજા?

અંબાજી મંદિરની સૌથી અનોખી વિશેષતા એ છે કે ગર્ભગૃહમાં માતાજીની પરંપરાગત મૂર્તિ નથી. અહીં પવિત્ર શ્રી વિસા યંત્રને માતા અંબાનું સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે. આ યંત્રને વિશેષ ધાર્મિક વિધિથી સ્થાપિત કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ માટે યંત્રનાં સીધાં દર્શન શક્ય નથી. મંદિરની પરંપરા અનુસાર તેની તસવીર ખેંચવાની પણ મનાઈ છે. આ જ વિશિષ્ટ પરંપરા અંબાજી મંદિરને અન્ય મંદિરો કરતાં અલગ ઓળખ આપે છે.

51 શક્તિપીઠોમાંથી એક છે અંબાજી ધામ

ધાર્મિક માન્યતા અનુસાર, માતા સતીનાં શરીરના અંગો જ્યાં પડ્યાં હતાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ હતી. માન્યતા છે કે અંબાજી ખાતે માતા સતીનું હૃદય પડ્યું હતું. આ કારણે આ સ્થળને અત્યંત પવિત્ર શક્તિપીઠ માનવામાં આવે છે. અહીં માતાજીને અરાસુરી અંબા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીક આવેલું આ મંદિર દેશભરના ભક્તો માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે.

ગબ્બર પર્વત સાથે જોડાયેલી છે મંદિરની આસ્થા

અંબાજી મંદિરથી આશરે ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે. ધાર્મિક માન્યતા મુજબ આ સ્થળ માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવે છે. ગબ્બર પર્વત પર અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે. અહીં માતાજીનાં પવિત્ર પદચિહ્નો સાથે જોડાયેલી માન્યતાઓ પણ પ્રચલિત છે. ભક્તો માટે અંબાજી યાત્રા દરમિયાન ગબ્બર પર્વતનાં દર્શનનું પણ વિશેષ મહત્વ છે.

લાભ પાંચમે PM મોદી કરશે માતાજીનાં દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે. 14 નવેમ્બરે લાભ પાંચમના દિવસે તેઓ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં પહોંચીને માતાજીનાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. પ્રવાસના કાર્યક્રમ મુજબ તેઓ અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે અંબાજી પહોંચે તેવી શક્યતા છે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે, મુલાકાતનો ચોક્કસ સમય અંતિમ સત્તાવાર કાર્યક્રમ મુજબ નક્કી થશે.

આ પણ વાંચો : Kavya Maran Wedding: રજનીકાંતના પરિવારમાં જોડાઈ કાવ્યા મારન, જાણો કોણ છે સાસુ-સસરા અને કેટલું મોટું છે સાસરિયું