Get News Alerts

Never miss breaking news updates.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો દિલ્હીથી શંખનાદ, રોકાણકારોને ગુજરાતમાં રોકાણનું આમંત્રણ

Vibrant Gujarat Global Summit 2027: ગુજરાતમાં રોકાણ, ઉદ્યોગ અને રોજગારની નવી તકોને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો નવી દિલ્હીના ભારત મંડપ ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી...
R Gajjar
R GajjarUpdated on: 31 Aug 2026 05:46 PM IST
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો દિલ્હીથી શંખનાદ, રોકાણકારોને ગુજરાતમાં રોકાણનું આમંત્રણવાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો દિલ્હીથી શંખનાદ, રોકાણકારોને ગુજરાતમાં રોકાણનું આમંત્રણ

Vibrant Gujarat Global Summit 2027

Vibrant Gujarat Global Summit 2027: ગુજરાતમાં રોકાણ, ઉદ્યોગ અને રોજગારની નવી તકોને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો નવી દિલ્હીના ભારત મંડપ ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ-વિદેશના રોકાણકારો અને બિઝનેસ લીડર્સને ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.

નીતિમાં સ્થિરતા, પારદર્શિતા અને ગતિથી રોકાણ આકર્ષાય છે: CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટે વિશ્વને સંદેશ આપ્યો છે કે નીતિમાં સ્થિરતા, નિર્ણયમાં પારદર્શિતા અને વ્યવસ્થામાં ગતિ હોય ત્યાં રોકાણકારો આપોઆપ આકર્ષાય છે. ગુજરાતે રોકાણકારો માટે એવી ઇકોસિસ્ટમ ઊભી કરી છે, જેમાં જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પોલિસી સ્ટેબિલિટી, પારદર્શિતા, સ્કિલ્ડ મેનપાવર, વિશ્વાસ અને સુરક્ષા જેવી સુવિધાઓ એકસાથે ઉપલબ્ધ છે.

પરંપરાગત ઉદ્યોગો બાદ ફ્યુચર સેક્ટર્સ પર ગુજરાતનું ફોકસ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતે પરંપરાગત ઉદ્યોગોમાં પોતાની ક્ષમતા સાબિત કર્યા બાદ હવે ભવિષ્યના ઉદ્યોગોમાં આગેવાની લેવા તૈયારી કરી છે. સોફ્ટ પાવર, સેમિકન્ડક્ટર, ફિનટેક, ગ્રીન હાઇડ્રોજન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રો સાથે ગ્રીન ગ્રોથ પર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027માં વિશેષ ભાર મૂકવામાં આવશે. “વિકસિત ગુજરાત-શેપિંગ ગ્લોબલ ફ્યુચર”ની થીમ સાથે યોજાનારી સમિટને ગુજરાતની 25 વર્ષની વિકાસયાત્રા અને નવા ગુજરાતની નવી આકાંક્ષાઓના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવી છે.

‘સપ્તધારા’ને ગતિ આપવાનો ગુજરાતનો સંકલ્પ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીના સ્વતંત્રતા દિવસના સપ્તધારા વિકાસ આહવાનને સાકાર કરવામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવ્યું હતું. મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ક્ષમતા, એગ્રીકલ્ચરમાં પ્રોડક્ટિવિટી, ટેક્નોલોજીમાં ઇનોવેશન, ગતિશક્તિમાં કનેક્ટિવિટી, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન-બ્લુ ઇકોનોમી અને સોફ્ટ પાવરની સંસ્કૃતિને સાથે જોડીને ગુજરાત આગળ વધશે.

હર્ષ સંઘવીએ રજૂ કર્યા ગુજરાતના આર્થિક વિકાસના આંકડા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને વિઝન અને એક્ઝિક્યુશનનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં રોકાણકારોના રોકાણની સુરક્ષા અને યોગ્ય વળતર માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2002-03માં ગુજરાતનું અર્થતંત્ર આશરે રૂ. 1.42 લાખ કરોડ હતું, જે આજે વધીને આશરે રૂ. 27 લાખ કરોડ થયું છે. દેશની વસ્તીમાં 5 ટકા અને ભૂગોળમાં 6 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત દેશના GDPમાં આશરે 8.2 ટકા અને કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં આશરે 18 ટકા યોગદાન આપે છે. ગુજરાતે અત્યાર સુધીમાં 74.6 બિલિયન અમેરિકી ડોલરનું FDI આકર્ષ્યું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. દેશના 40 ટકાથી વધુ કાર્ગોનું હેન્ડલિંગ ગુજરાતના બંદરો દ્વારા થતું હોવાનું તેમણે જણાવ્યું હતું.

રોકાણકારોને સુરક્ષાની ખાતરી

હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા 25 વર્ષમાં સરકારે ઇન્સેન્ટિવ આપવાનું વચન આપ્યું હોય અને તે પૂર્ણ ન કર્યું હોય તેવો એકપણ કિસ્સો બન્યો નથી. ઉદ્યોગ વિભાગમાં ઇન્સેન્ટિવ ફાઇલો ક્લિયર કરવાની દૈનિક ગતિ 160થી વધારીને 395 ફાઇલ પ્રતિદિન કરવામાં આવી છે અને ટૂંક સમયમાં દરરોજ 500 ફાઇલ ક્લિયર કરવાનો લક્ષ્યાંક છે.

મનસુખ માંડવિયાએ રોકાણકારોને નવી તકો શોધવા અપીલ કરી

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રોકાણકારોને ગ્રીન હાઇડ્રોજન, હાઇડ્રોજન સ્ટોરેજ, ડેટા સેન્ટર અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોનો અભ્યાસ કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં સક્રિય ભાગીદારી કરવા અપીલ કરી હતી. તેમણે ગુજરાતની ઉદ્યોગસાહસિકતા અને વેપારની પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે લોથલકાળથી ગુજરાત વેપાર, ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલું રહ્યું છે.

ગુજરાત વૈશ્વિક સપ્લાય ચેઇનનો મહત્વપૂર્ણ હિસ્સો

મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું કે ગુજરાતના વિકાસ મોડેલને વૈશ્વિક ઓળખ અપાવવામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતનું GSDP રૂપિયા આધારિત મૂલ્યમાં આશરે 20 ગણું વધ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. DPIITના સચિવ અમરદીપ સિંઘ ભાટીયાએ ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ઓળખ વધુ મજબૂત બની હોવાનું જણાવ્યું હતું. ASSOCHAMના પ્રમુખ નિર્મલ મિંડાએ જણાવ્યું કે ઓક્ટોબર 2019થી માર્ચ 2026 દરમિયાન ગુજરાતે આશરે 51 બિલિયન અમેરિકી ડોલરનું વિદેશી રોકાણ આકર્ષ્યું છે. જૂન 2026 સુધીમાં ગુજરાતની નિકાસ આશરે 55 બિલિયન અમેરિકી ડોલર પહોંચી હોવાનું પણ જણાવાયું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ ગુજરાતની વિકાસયાત્રા અને ઉદ્યોગો માટે ઉપલબ્ધ તકો અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. અગ્રણી ઉદ્યોગસાહસિકોએ પણ પોતાના અનુભવો શેર કર્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]