PM મોદીની સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO-ફાઉન્ડર્સ સાથે ખાસ મુલાકાત, કહ્યું- ‘તમારી ઊર્જા અને મહત્વાકાંક્ષાથી પ્રભાવિત થયો’

PM Modi Space Startups: આંતરરાષ્ટ્રીય સ્પેસ ડેના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારતના અગ્રણી સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO અને ફાઉન્ડર્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતના અવકાશ ક્ષેત્રમાં...
Rupin Bakraniya
Rupin Bakraniya
PM Modi Space StartupsPM Modi Space Startups

PM Modi Space Startups

PM Modi Space Startups: આંતરરાષ્ટ્રીય સ્પેસ ડેના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારતના અગ્રણી સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO અને ફાઉન્ડર્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતના અવકાશ ક્ષેત્રમાં થઈ રહેલી નવીનતા, ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને લોકોના જીવનને વધુ સરળ બનાવવા માટે સ્પેસ ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.

‘તમારી ઊર્જા અને મહત્વાકાંક્ષા જોઈને પ્રભાવિત થયો’

વડાપ્રધાન મોદીએ સ્પેસ સ્ટાર્ટઅપ્સના યુવા ઉદ્યોગસાહસિકો સાથેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતના સૌથી આશાસ્પદ સ્પેસ સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત થઈ અને તેમની ઊર્જા તથા મહત્વાકાંક્ષા જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. PM મોદીએ સ્પેસ ક્ષેત્રમાં કામ કરી રહેલા સ્ટાર્ટઅપ્સના વિચારો અને સકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી. તેમણે લોકોને પણ ભારતની સ્પેસ સફરમાં સૌથી વધુ શું ઉત્સાહિત કરે છે તે અંગે પોતાના વિચારો શેર કરવા અપીલ કરી હતી.

‘સરકારના નિર્ણયોમાં સ્થિરતા જરૂરી’

સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO અને ફાઉન્ડર્સ સાથે વાતચીત દરમિયાન PM મોદીએ કહ્યું કે નવી અને પડકારજનક જગ્યાએ કામ કરવા માટે સાહસ જરૂરી છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયો પર સ્થિર રહેવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાને જણાવ્યું કે સરકારના નિર્ણયો વારંવાર બદલાતા ન રહે તો ઉદ્યોગસાહસિકોને જોખમ લેવાનો વિશ્વાસ મળે છે અને તેઓ લાંબા ગાળાના આયોજન સાથે આગળ વધી શકે છે.

દર મહિને એક રૉકેટ લોન્ચ કરવાની તૈયારી

ભારતના પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્નના CEOએ વડાપ્રધાનને પોતાના ભવિષ્યના આયોજન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 18 જુલાઈએ ભારતનું પ્રથમ ખાનગી રૉકેટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ માત્ર શરૂઆત છે. કંપની આગામી વર્ષથી દર મહિને એક રૉકેટ લોન્ચ કરવાની દિશામાં કામ કરી રહી છે. આ માટે ત્રણ ફેક્ટરી તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં દર મહિને એક રૉકેટ બનાવવાની ક્ષમતા હશે. કંપનીના પ્રતિનિધિએ ભવિષ્યમાં દર અઠવાડિયે અને ત્યારબાદ દરરોજ એક રૉકેટ લોન્ચ કરવાનું સપનું પણ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો: રાજકોટના કાથરોટામાં નકલી દૂધનું કૌભાંડ ઝડપાયું, રૂ.1.02 લાખનો મુદ્દામાલ જપ્ત

અત્યાધુનિક સ્પેસ એન્જિન પર કામ

વાતચીત દરમિયાન એક સ્પેસ સ્ટાર્ટઅપના CEOએ વડાપ્રધાનને જણાવ્યું હતું કે તેમની કંપનીએ વિશ્વના આધુનિક એન્જિનોમાં સ્થાન મેળવી શકે તેવું એક અત્યાધુનિક એન્જિન વિકસાવ્યું છે. હાલમાં આ એન્જિનની ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રકારની ટેક્નોલોજી ભારતના ખાનગી સ્પેસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

વિદેશમાં રહેલા ભારતીય પ્રતિભાશાળી લોકો પણ ભારત આવવા ઉત્સુક

એક સ્પેસ સ્ટાર્ટઅપના CEOએ વડાપ્રધાનને જણાવ્યું હતું કે ભારતમાં સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે તકો વધ્યા બાદ અમેરિકા અને યુરોપમાં રહેતા અનેક પ્રતિભાશાળી લોકો પણ ભારત આવીને કામ કરવા ઇચ્છે છે. આ અંગે PM મોદીએ કહ્યું કે સ્પેસ ક્ષેત્રમાં વધુમાં વધુ લોકોને જોડવાની જરૂર છે. તેમણે વિશ્વભરના પ્રતિભાશાળી લોકોને ભારત આવવા માટે પ્રેરિત કરવાની વાત કરી હતી અને કહ્યું કે ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ્સ આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો: ‘વોટર ફોર ઓલ’: જળ સુરક્ષા માટે સરકાર સાથે જન ભાગીદારી પણ જરૂરી

સેટેલાઇટ એન્જિનની વૈશ્વિક માંગ

અન્ય એક CEOએ વડાપ્રધાનને જણાવ્યું હતું કે તેમની કંપની સેટેલાઇટ માટેના એન્જિન બનાવે છે અને વૈશ્વિક સ્તરે તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કંપનીને નિકાસ માટે ભારત સરકાર તરફથી પણ સહયોગ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. PM મોદીએ ભારતની સ્પર્ધાત્મક ક્ષમતાની પ્રશંસા કરતાં કહ્યું કે ખર્ચની દૃષ્ટિએ ભારત ખૂબ જ સ્પર્ધાત્મક છે અને દેશની પ્રતિભા અંગે કોઈ પ્રશ્ન જ નથી. તેમણે ભારતીયોમાં રહેલી જોખમ લેવાની ક્ષમતાને પણ મહત્વપૂર્ણ ગણાવી હતી.

હવે અંતરિક્ષમાં બનશે ફાર્માસ્યુટિકલ્સ

સ્પેસ ફાર્મા ક્ષેત્રે કામ કરતા એક સ્ટાર્ટઅપે PM મોદીને પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. કંપની એવા સેટેલાઇટ વિકસાવી રહી છે, જે અંતરિક્ષમાં જઈને ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કરી શકે અને ત્યારબાદ તૈયાર ઉત્પાદનને પૃથ્વી પર પરત લાવી શકે. આ ટેક્નોલોજી ભવિષ્યમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ઊભી કરી શકે છે.

આ પણ વાંચો: Suresh Patel Shot Dead US Tennessee : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, પુત્રીની સામે ઉદ્યોગપતિને ગોળી મારી

ખાનગી સ્પેસ ક્ષેત્રથી ભારતની નવી ઉડાન

PM મોદી અને સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO-ફાઉન્ડર્સ વચ્ચેની આ મુલાકાતથી સ્પષ્ટ થાય છે કે ભારતના અવકાશ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભૂમિકા ઝડપથી વધી રહી છે. રૉકેટ લોન્ચિંગથી લઈને સેટેલાઇટ એન્જિન, અદ્યતન સ્પેસ ટેક્નોલોજી અને અંતરિક્ષમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદન સુધી ભારતીય સ્ટાર્ટઅપ્સ નવી દિશામાં કામ કરી રહ્યા છે. સરકારનો સહયોગ, યુવા ઉદ્યોગસાહસિકોની મહત્વાકાંક્ષા અને ભારતની ટેક્નિકલ પ્રતિભાના સંયોજનથી દેશ વૈશ્વિક સ્પેસ માર્કેટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવે તેવી સંભાવના છે.