Get News Alerts

Never miss breaking news updates.

Mumbai-Goa Highway: હાઈવેના કામમાં 16-17 વર્ષનો વિલંબ! નીતિન ગડકરી બોલ્યા- ‘મને શરમ આવે છે, ઉદ્ઘાટનમાં નહીં આવું’

Mumbai-Goa Highway: મુંબઈ-ગોવા હાઈવેના વિસ્તરણના કામમાં થઈ રહેલા લાંબા વિલંબને લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 10 Sep 2026 02:56 PM IST
Mumbai-Goa Highway: હાઈવેના કામમાં 16-17 વર્ષનો વિલંબ! નીતિન ગડકરી બોલ્યા- ‘મને શરમ આવે છે, ઉદ્ઘાટનમાં નહીં આવું’Mumbai-Goa Highway: હાઈવેના કામમાં 16-17 વર્ષનો વિલંબ! નીતિન ગડકરી બોલ્યા- ‘મને શરમ આવે છે, ઉદ્ઘાટનમાં નહીં આવું’

Mumbai-Goa Highway

Mumbai-Goa Highway: મુંબઈ-ગોવા હાઈવેના વિસ્તરણના કામમાં થઈ રહેલા લાંબા વિલંબને લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગોવાના પોરવોરિમમાં 6 લેનના એલિવેટેડ રોડ કોરિડોરના ઉદ્ઘાટન દરમિયાન ગડકરીએ કહ્યું કે મુંબઈ-ગોવા હાઈવેનું કામ પૂર્ણ થવામાં 16થી 17 વર્ષ લાગી ગયા છે અને આ વિલંબને લઈને તેમને શરમ આવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે હાઈવેનું કામ પૂર્ણ થયા બાદ યોજાનારા ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ હાજર નહીં રહે.

93-94% કામ પૂર્ણ, ઓક્ટોબરમાં જાતે કરશે નિરીક્ષણ

ગડકરીએ જણાવ્યું કે તાજેતરમાં અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં તેમને માહિતી આપવામાં આવી છે કે મુંબઈ-ગોવા હાઈવેનું આશરે 93થી 94 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હવે તેઓ ઓક્ટોબરમાં મુંબઈ એરપોર્ટ પર ઉતરીને રસ્તા માર્ગે ગોવા જશે અને સમગ્ર હાઈવેની જાતે મુલાકાત લઈને કામની સ્થિતિ તથા મુસાફરો માટેની સુવિધાઓનું નિરીક્ષણ કરશે.

કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીના સંકેત

હાઈવેના કામમાં થયેલા વિલંબ માટે ગડકરીએ કોન્ટ્રાક્ટરોની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે અનેક કોન્ટ્રાક્ટરો કામ સમયસર પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે સંકેત આપ્યો કે ખરાબ કામગીરી અને પ્રોજેક્ટમાં વિલંબ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ અથવા ડિબાર કરવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શન જેવી કાર્યવાહી પણ થઈ શકે છે.

‘હું ઉદ્ઘાટનમાં નહીં આવું’

ગડકરીએ કહ્યું કે તેમના વિભાગે અત્યાર સુધી અનેક કામોમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ હવે તેઓ એક વર્ષમાં સૌથી વધુ બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો રેકોર્ડ બનાવવા માંગે છે. મુંબઈ-ગોવા હાઈવેના ઉદ્ઘાટન અંગે તેમણે કહ્યું કે આટલા લાંબા વિલંબ બાદ તેનું ઉદ્ઘાટન કરવામાં તેમને શરમ અનુભવાય છે, તેથી તેઓ કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય કરી ચૂક્યા છે.

2011માં શરૂ થયું હતું હાઈવેનું વિસ્તરણ

મુંબઈ-ગોવા હાઈવેને બે લેનમાંથી ચાર લેનમાં રૂપાંતરિત કરવાનો પ્રોજેક્ટ વર્ષ 2011માં શરૂ થયો હતો. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મુંબઈથી ગોવા વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડવાનો હતો. જોકે જમીન સંપાદન, મંજૂરીઓ, કોન્ટ્રાક્ટરોની કામગીરી અને વિવિધ અન્ય કારણોસર પ્રોજેક્ટમાં લાંબો વિલંબ થયો છે. હાલ કેટલાક મહત્વના કામ હજુ બાકી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

રાજકીય ભવિષ્ય અંગે પણ ગડકરીનું નિવેદન

આ દરમિયાન ગડકરીએ પોતાના રાજકીય ભવિષ્ય અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે તેમને અન્ય રાજ્યોમાંથી ચૂંટણી લડવા માટે ઓફર મળે છે, પરંતુ તેઓ પોતાની કર્મભૂમિ અને કાર્યભૂમિ સાથે જોડાયેલા રહેવા માંગે છે. પાર્ટી તક આપશે ત્યાં સુધી તેઓ પોતાના વર્તમાન મતવિસ્તારને છોડવા માંગતા નથી. તેમના આ નિવેદનને કારણે આગામી લોકસભા ચૂંટણીમાં પણ તેઓ નાગપુરથી જ મેદાનમાં ઉતરી શકે તેવી ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો : Yami Gautam: યામી ગૌતમની ‘નઈ નવેલી’નું ટીઝર લોન્ચ, હોરર સાથે કોમેડીનો જબરદસ્ત તડકો; 16 ઓક્ટોબરે થશે રિલીઝ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.