Godhra Case Supreme Court: ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં 18 વર્ષથી જેલમાં બંધ ઇરફાનને સુપ્રીમ કોર્ટની રાહત, મેડિકલ આધાર પર આજીવન કેદની સજા સ્થગિત


Supreme Court bail Godhra train case convict Irfan ગોધરા કેસ
Godhra Case Supreme Court: ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં 18 વર્ષથી જેલમાં બંધ ઇરફાનને સુપ્રીમ કોર્ટની રાહત, મેડિકલ આધાર પર આજીવન કેદની સજા સ્થગિત


Supreme Court bail Godhra train case convict Irfan ગોધરા કેસ
Godhra Case Supreme Court: વર્ષ 2002ના ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત ઇરફાન સિરાજ પડોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. છેલ્લા લગભગ 18 વર્ષથી જેલમાં બંધ ઇરફાનની મેડિકલ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તેની આજીવન કેદની સજા સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે પણ ઇરફાનની તબીબી સ્થિતિનો સ્વીકાર કર્યો હતો.
18 વર્ષથી જેલમાં બંધ દોષિતને રાહત
ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં દોષિત ઠરેલા ઇરફાન સિરાજ પડો છેલ્લા આશરે 18 વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેની તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં રાહતની માગ કરવામાં આવી હતી. કોર્ટે મેડિકલ આધારને ધ્યાનમાં રાખીને તેની આજીવન કેદની સજા સ્થગિત કરી જામીન આપવાનો આદેશ કર્યો છે.
27 ફેબ્રુઆરી 2002ના રોજ બની હતી ઘટના
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લગાવવામાં આવી હતી. આ ભયાનક ઘટનામાં 59 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ ગુજરાતમાં મોટા પાયે કોમી હિંસા ફાટી નીકળી હતી. આ કેસે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું.
2011માં 31 લોકોને ઠેરવાયા હતા દોષિત
આ કેસમાં વિશેષ SIT અદાલતે માર્ચ 2011માં કુલ 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી 11 આરોપીઓને ફાંસીની સજા જ્યારે 20 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બીજી તરફ, 63 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ઇરફાન સિરાજ પડો પણ આજીવન કેદની સજા મેળવનારા દોષિતોમાં સામેલ હતો.
ગુજરાત હાઈકોર્ટે 11 આરોપીઓની ફાંસીની સજા બદલી હતી
વિશેષ અદાલતના નિર્ણય સામે દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. વર્ષ 2017માં હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. જ્યારે અન્ય આજીવન કેદની સજા મેળવનારા દોષિતોની સજા યથાવત રાખી હતી. ત્યારબાદ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલો કરવામાં આવી હતી.
અગાઉ અન્ય દોષિતને પણ મળી હતી રાહત
આ કેસના અન્ય દોષિત અબ્દુલ રહેમાન ધંતિયા ઉર્ફે કંકટ્ટો જમ્બુરોને પણ સુપ્રીમ કોર્ટ તરફથી અગાઉ રાહત મળી હતી. મે 2022માં તેની પત્નીની ગંભીર બીમારી અને પારિવારિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છ મહિનાના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ નવેમ્બર 2022માં જામીનની મુદત 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી હતી.




