CEC જ્ઞાનેશ કુમાર સામે વિજિલન્સ તપાસના આદેશ, જાણો શું છે સમગ્ર મામલો


CEC Gyanesh Kumar
CEC જ્ઞાનેશ કુમાર સામે વિજિલન્સ તપાસના આદેશ, જાણો શું છે સમગ્ર મામલો


CEC Gyanesh Kumar
Kerala : કેરળમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથે જોડાયેલા 2006ના જૂના કેસને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાએ રવિવારે જ્ઞાનેશ કુમાર સાથે જોડાયેલા આરોપોની તપાસ માટે નવી વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ તેમના કેરળના જાહેર બાંધકામ વિભાગ (PWD)ના સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન લાગેલા આરોપો અને અગાઉની તપાસમાં કથિત બાહ્ય હસ્તક્ષેપના મુદ્દા પર કેન્દ્રિત રહેશે.
કથિત સુસાઈડ નોટમાં જ્ઞાનેશ કુમારનું નામ હોવાનો દાવો
આ સમગ્ર મામલો મલેશિયાના સિવિલ એન્જિનિયર લીસી બિનના મૃત્યુ સાથે જોડાયેલો છે. નવેમ્બર 2006માં કેરળથી પરત ફર્યા બાદ તેમણે કુઆલાલંપુરમાં આત્મહત્યા કરી હતી. તેઓ PACHI-BEL કન્સોર્ટિયમ સાથે સંકળાયેલા હતા. આ કન્સોર્ટિયમને કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (KSTP) હેઠળ એમસી રોડના અપગ્રેડેશનનું કામ સોંપવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ એન્જિનિયરના કથિત સુસાઈડ નોટમાં તે સમયે PWD સચિવ રહેલા જ્ઞાનેશ કુમારનું નામ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રોજેક્ટમાં કથિત અનિયમિતતાઓ અને અગાઉની વિજિલન્સ તપાસ પર બાહ્ય દબાણ હોવાના આક્ષેપો પણ થયા હતા. આ મામલે કોંગ્રેસના નેતા મલયિનકીઝુ વેણુગોપાલે અરજી કરી હતી. આ અરજીના આધારે ગૃહમંત્રીએ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યુરો (VACB)ના ડિરેક્ટરને સમગ્ર મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ગૃહ વિભાગે અગાઉની તપાસ સાથે જોડાયેલી તમામ ફાઈલો અને દસ્તાવેજો પણ મગાવ્યા છે.
આ મુદ્દાઓની ચકાસણી કરવામાં આવશે
નવી તપાસમાં અગાઉની તપાસ કેવી રીતે હાથ ધરવામાં આવી હતી, તેમાં કોઈ બાહ્ય હસ્તક્ષેપ થયો હતો કે કેમ અને આરોપોની યોગ્ય તપાસ કરવામાં આવી હતી કે નહીં તે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવશે. જોકે, જ્ઞાનેશ કુમાર સામેના આક્ષેપો હજુ તપાસ હેઠળ છે. માત્ર કથિત સુસાઈડ નોટમાં નામ હોવાના દાવા કે નવી તપાસના આદેશથી તેમની કોઈ ગેરરીતિ સાબિત થતી નથી. હવે વિજિલન્સ તપાસના પરિણામો બાદ જ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો :Tripuraમાં દુર્ગા પૂજા પંડાલ બનશે આકર્ષણનું કેન્દ્ર, 20 લાખથી વધુ છીપલીઓથી તૈયાર થશે ‘વાટ અરુણ’ની પ્રતિકૃતિ




