Assam News: આસામમાં એકથી વધુ લગ્ન કરનાર સરકારી કર્મચારીની નોકરી જશે

Assam News: આસામમાં સરકારી કર્મચારીઓ માટે બહુપત્નીત્વને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.
Nisha Parmar
Nisha Parmar
Assam government action on polygamy employees આસામ કેબિનેટ નિર્ણયAssam government action on polygamy employees આસામ કેબિનેટ નિર્ણય

Assam government action on polygamy employees આસામ કેબિનેટ નિર્ણય

Assam News: આસામમાં સરકારી કર્મચારીઓ માટે બહુપત્નીત્વને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ માહિતી આપી છે કે આસામ સરકારનો કોઈ કર્મચારી એકથી વધુ લગ્ન કરતો હોવાનું સાબિત થશે તો તેને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. આ નિયમ કોઈ એક ધર્મ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તમામ ધર્મના સરકારી કર્મચારીઓ પર લાગુ થશે.

સર્વિસ અને ડિસિપ્લિન નિયમોમાં સુધારો

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના જણાવ્યા અનુસાર, રાજ્ય કેબિનેટે સરકારી કર્મચારીઓ સામે બહુપત્નીત્વના કિસ્સામાં કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ માટે આસામ સર્વિસ અને ડિસિપ્લિન નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે.

નવા સુધારા હેઠળ બહુપત્નીત્વના દોષિત ઠરનારા કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. એટલું જ નહીં, આવા કર્મચારીને ભવિષ્યમાં સરકારી નોકરી મેળવવા માટે પણ અયોગ્ય ગણવામાં આવશે.

તમામ ધર્મના કર્મચારીઓ પર લાગુ થશે નિયમ

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ નિયમ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિત તમામ ધર્મના સરકારી કર્મચારીઓ માટે સમાન રીતે લાગુ પડશે. કેબિનેટે આ કડક દંડની જોગવાઈ ઉમેરવા માટે નિયમ 7ની કલમ 6માં સુધારો કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

સરકારનો આ નિર્ણય બહુપત્નીત્વના મામલે સરકારી કર્મચારીઓ માટે શિસ્તના નિયમોને વધુ કડક બનાવવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.

શિવસાગર અને ચરાઈદેવની પૂરની તપાસ CBIને સોંપવાની તૈયારી

આસામ સરકાર સાથે જોડાયેલા અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં રાજ્યના શિવસાગર અને ચરાઈદેવ જિલ્લામાં આ વર્ષની શરૂઆતમાં આવેલી વિનાશક પૂરના કારણોની તપાસ માટે CBIનો સંપર્ક કરવાની તૈયારી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ મામલે CBI તપાસની વિનંતી સાથે કેન્દ્ર સરકારને પત્ર લખવાનો નિર્ણય 4 નવેમ્બરના રોજ લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે આગામી 10 દિવસમાં કેન્દ્ર સરકારને પત્ર મોકલવામાં આવશે.

જોકે, તપાસ CBIને સોંપવાનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર પર નિર્ભર રહેશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારનો હેતુ પૂરના ચોક્કસ કારણો જાણી હકીકત સામે લાવવાનો છે.

આમ, આસામ કેબિનેટના એક તરફ સરકારી કર્મચારીઓના બહુપત્નીત્વ સામે કડક કાર્યવાહી અને બીજી તરફ પૂરના કારણોની CBI તપાસ અંગેના નિર્ણય ચર્ચામાં આવ્યા છે.

આ પણ વાંચો : Sarita Gaikwad Fraud Case: ડાંગની 'ગોલ્ડન ગર્લ' સરિતા ગાયકવાડ સાથે 69 લાખની છેતરપિંડી