Get News Alerts

Never miss breaking news updates.

નવી દિલ્હીમાં અદાણી ફાઉન્ડેશનનું AVPN વેલકમ ડિનર, ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સ્થાયી પરિવર્તનનો સંદેશ

Adani Foundation AVPN Welcome Dinner: અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ શાખા અદાણી ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2026ના વેલકમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...
R Gajjar
R GajjarUpdated on: 26 Aug 2026 05:31 PM IST
નવી દિલ્હીમાં અદાણી ફાઉન્ડેશનનું AVPN વેલકમ ડિનર, ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સ્થાયી પરિવર્તનનો સંદેશનવી દિલ્હીમાં અદાણી ફાઉન્ડેશનનું AVPN વેલકમ ડિનર, ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સ્થાયી પરિવર્તનનો સંદેશ

Adani Foundation AVPN Welcome Dinner

Adani Foundation AVPN Welcome Dinner: અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ શાખા અદાણી ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2026ના વેલકમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લગભગ 2,000 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક પ્રભાવ માટે એશિયાના સૌથી મોટા પ્લેટફોર્મ પૈકીના એક AVPNની 13મી ગ્લોબલ કોન્ફરન્સ પ્રથમ વખત ભારતમાં યોજાઈ રહી છે. આ પ્રસંગે વિશ્વભરના પરોપકારીઓ, નીતિ-નિર્માતાઓ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ એક મંચ પર એકત્રિત થયા હતા.

ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સામાજિક પરિવર્તનનો સંદેશ

વેલકમ ડિનરમાં અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ સંબોધન કરતા જણાવ્યું કે એશિયા અને ભારતને વિકાસના નવા એન્જિન તરીકે જોવામાં આવી રહ્યા છે ત્યારે વૈશ્વિક પરોપકારી નેતાઓનું ભારતમાં સ્વાગત કરવું ગૌરવની વાત છે. તેમણે જણાવ્યું કે અદાણી ફાઉન્ડેશનની 30 વર્ષની સફરમાંથી એ શીખવા મળ્યું છે કે સ્થાયી પરિવર્તન સમુદાયોને સશક્ત બનાવવાથી જ શક્ય બને છે. સામાજિક પડકારો સતત વધુ જટિલ બની રહ્યા છે, ત્યારે વિવિધ સંસ્થાઓએ એકબીજાના સફળ પ્રયોગોમાંથી શીખીને મજબૂત ભાગીદારી ઊભી કરવાની જરૂર છે. ડૉ. પ્રીતિ અદાણીએ સામાજિક પ્રભાવને છેવાડાના સ્તર સુધી પહોંચાડવા માટે સહયોગ અને જ્ઞાનના આદાન-પ્રદાન પર ભાર મૂક્યો હતો.

અદાણી ફાઉન્ડેશનની 30 વર્ષની સફર

આ વૈશ્વિક સંવાદ અદાણી ફાઉન્ડેશનના લોકકલ્યાણ ક્ષેત્રે 30 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહ્યો છે. 11 ઓગસ્ટ 1996ના રોજ સ્થાપિત થયેલા ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, આજીવિકા અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, તેની વિવિધ પહેલોનો વ્યાપ 22 રાજ્યોના 7,200થી વધુ ગામડાઓ સુધી પહોંચ્યો છે અને 1.3 કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

હેલ્થકેર અને શિક્ષણ માટે ₹60 હજાર કરોડની પ્રતિબદ્ધતા

ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળ અદાણી પરિવારે હેલ્થકેર, કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ શિક્ષણ માટે ₹60,000 કરોડના યોગદાનની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. આ પહેલ અંતર્ગત ‘અદાણી હેલ્થ સિટીઝ’ વિકસાવવામાં આવી રહી છે. તેમાં 1,000 બેડની અત્યાધુનિક હોસ્પિટલો, સંશોધન કેન્દ્રો અને મેડિકલ કોલેજો સાથે સંકલિત હેલ્થકેર ઇકોસિસ્ટમ બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો મુંબઈ અને અમદાવાદમાં શરૂ થઈ રહ્યો છે. આ ઉપરાંત બિહારના પીરપૈંતીમાં 200 બેડની હોસ્પિટલ સ્થાપવાની પણ યોજના છે.

મહિલા ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ પર ભાર

અદાણી ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય અને શિક્ષણ ઉપરાંત મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. ‘કર્મ શિક્ષા’, ‘અદાણી સક્ષમ’ અને અમદાવાદ સ્થિત ‘અદાણી યુનિવર્સિટી’ જેવી પહેલો દ્વારા કૌશલ્ય અને શિક્ષણના ક્ષેત્રે કામ કરવામાં આવી રહ્યું છે. ફાઉન્ડેશનનો મહિલા ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમ સમગ્ર ભારતમાં 10 લાખથી વધુ મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાના લક્ષ્ય સાથે કાર્યરત હોવાનું જણાવાયું છે.

એશિયામાં પરોપકાર ક્ષેત્રે સહયોગનું આહ્વાન

આ સંવાદ AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2025માં થયેલી ચર્ચાને પણ આગળ ધપાવે છે. હોંગકોંગમાં યોજાયેલી અગાઉની કોન્ફરન્સ દરમિયાન ડૉ. પ્રીતિ અદાણીએ સમગ્ર એશિયામાં પરોપકારી અનુભવો અને જ્ઞાનને જોડવા માટે ‘યુનિફાઇડ કોલેબોરેશન પ્લેટફોર્મ’ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં પણ તેમણે સફળ મોડલ અને અનુભવોમાંથી શીખીને સામાજિક પ્રભાવને વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

‘વિકસિત ભારત 2047’ માટે સ્થાનિક સમુદાયોની ભૂમિકા મહત્વપૂર્ણ

ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું કે ભારત ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશની આર્થિક અને સામાજિક પ્રગતિનો લાભ લોકો અને સ્થાનિક સમુદાયો સુધી પહોંચવો જરૂરી છે. અદાણી ફાઉન્ડેશન માટે AVPN સાથેની ભાગીદારી ભારતના પાયાના સ્તરે ત્રણ દાયકાના અનુભવને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની સાથે સમગ્ર એશિયાના સામાજિક ક્ષેત્રમાંથી નવા અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખવાની તક પણ પૂરી પાડે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]