ચાંગોદરના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 975 પેટી સાથે 4 આરોપી પકડાયા



Changodar Liquor Seized
ચાંગોદરના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 975 પેટી સાથે 4 આરોપી પકડાયા



Changodar Liquor Seized
Changodar Liquor Seized: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે LCBએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મોરૈયા ગામની સીમમાં આવેલા મહાગુજારાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શ્યામ મેટલ કંપનીના શેડ નંબર 170ના બંધ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે દરોડા દરમિયાન ત્રણ માલવાહક વાહનો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ગોડાઉનમાં સંતાડેલો 975 પેટી દારૂ ઝડપાયો
LCBને બાતમી મળી હતી કે મોરૈયા ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ગોડાઉનમાંથી કુલ 975 પેટી અને 35,199 બોટલ તથા ટીન જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત રૂ.72,50,985 છે.
વાહનો અને મોબાઇલ સહિત રૂ.96.25 લાખનો મુદ્દામાલ કબજે
દારૂ ઉપરાંત પોલીસે બે મહિન્દ્રા બોલેરો મેક્સ પીકઅપ, એક મહિન્દ્રા જીતો ડાલુ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.96,25,885નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના સપ્લાયને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
ચાર આરોપીઓ ઝડપાયા
પોલીસે દરોડા દરમિયાન ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં:
દિપકસિંહ વેદુસિંહ જુલાલસિંહ મહાલે
આનંદ રામસિંહ મારુસિંહ રાજપુત
સુધીર અશોકભાઈ જયાશંકરભાઈ પંડ્યા
અલ્પેશભાઈ મૂળજીભાઈ મોહનભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય આરોપીઓ મુખ્ય નેટવર્કના સંચાલક હોવાને બદલે દારૂનો માલ ઉતારવા, ચઢાવવા અને વાહનોમાં ભરવા જેવી કામગીરી સાથે સંકળાયેલા હોવાનું જણાયું છે.
કુલ 11 આરોપીઓ સામે ગુનો
સમગ્ર કેસમાં કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાં ઈશ્વરસિંહ પદમસિંહ રાજપુત, વિકાસ રણવીરસિંહ અને કિશોરભાઈ ઉપરાંત દારૂ ભરેલો ટ્રક લાવનાર ચાલક અને માલિક, બે મહિન્દ્રા બોલેરો મેક્સ પીકઅપના ચાલક અને માલિક તથા મહિન્દ્રા જીતો સ્ટ્રોંગના ચાલક અને માલિકનો સમાવેશ થાય છે. હાલ આ પૈકીના સાત આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.
રાજસ્થાન અને હરિયાણાથી ગુજરાતમાં આવતો હતો દારૂ?
પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રાજસ્થાન અને હરિયાણાથી ગુજરાતમાં મોકલવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. તપાસ મુજબ આ જથ્થો ચાંગોદરના ગોડાઉન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. કિશોર નામનો વ્યક્તિ ગોડાઉનનું સંચાલન કરતો હોવાની પણ માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. હવે પોલીસ સમગ્ર સપ્લાય ચેઇન અને નેટવર્કની તપાસ કરી રહી છે.
ગોડાઉનના માલિકની ભૂમિકા અંગે પણ તપાસ
પોલીસ તપાસમાં ગોડાઉનના મૂળ માલિક તરીકે સેલાભાઈ ભરવાડ, બોપલના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ગોડાઉન ભાડા કરારથી આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. ગોડાઉન કેટલા સમયથી ભાડે આપવામાં આવ્યું હતું, તેનો ઉપયોગ કયા હેતુથી થતો હતો અને ગેરકાયદેસર દારૂના સંગ્રહ અંગે માલિકને કોઈ જાણકારી હતી કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરશે.
દારૂ અસલી છે કે નકલી? FSL રિપોર્ટ બાદ થશે ખુલાસો
આ કેસમાં હવે સૌથી મહત્વનો મુદ્દો જપ્ત કરાયેલા દારૂની ગુણવત્તાને લઈને છે. પોલીસે દારૂના સેમ્પલ FSLમાં મોકલ્યા હોવાનું જણાવ્યું છે. FSL રિપોર્ટ આવ્યા બાદ જ જપ્ત કરાયેલો દારૂ અસલી છે કે નકલી અથવા તેમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થશે. તાજેતરમાં ભાવનગરમાં નકલી દારૂના કથિત લઠ્ઠાકાંડ બાદ મોટા પ્રમાણમાં જપ્ત થયેલા દારૂના જથ્થાને લઈને આ મુદ્દો વધુ ગંભીર બન્યો છે. જોકે, હાલ જપ્ત કરાયેલો દારૂ નકલી હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
મુખ્ય સૂત્રધાર કોણ? પોલીસ તપાસનો મોટો સવાલ
હાલ ચાર આરોપીઓ ઝડપાયા છે, જ્યારે FIR મુજબ અન્ય સાત આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોના કહેવા પર લાવવામાં આવ્યો હતો, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કોને સપ્લાય કરવાનો હતો અને સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર કોણ છે. સાથે જ ઝડપાયેલા આરોપીઓનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં અને અગાઉ પણ આ રીતે દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો કે નહીં તેની તપાસ પણ કરવામાં આવશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



