Get News Alerts

Never miss breaking news updates.

અંકલેશ્વરના ગડખોલના સરપંચ મંજુલાબેન પટેલ ફરી સસ્પેન્ડ, ત્રીજી વખત હોદ્દા પરથી દૂર

Ankleshwar Gadhkhol Sarpanch Suspended: અંકલેશ્વર તાલુકાની ચર્ચાસ્પદ ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલ સામે ફરી કાર્યવાહી કરવામાં આવી છે. નાણાકીય ગેરવ્યવહાર અને કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘનના મામલે ભરૂચ જિલ્લા વિકાસ...
R Gajjar
R GajjarUpdated on: 26 Aug 2026 08:15 PM IST
અંકલેશ્વરના ગડખોલના સરપંચ મંજુલાબેન પટેલ ફરી સસ્પેન્ડ, ત્રીજી વખત હોદ્દા પરથી દૂરઅંકલેશ્વરના ગડખોલના સરપંચ મંજુલાબેન પટેલ ફરી સસ્પેન્ડ, ત્રીજી વખત હોદ્દા પરથી દૂર

Ankleshwar Gadhkhol Sarpanch Suspended

Ankleshwar Gadhkhol Sarpanch Suspended: અંકલેશ્વર તાલુકાની ચર્ચાસ્પદ ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલ સામે ફરી કાર્યવાહી કરવામાં આવી છે. નાણાકીય ગેરવ્યવહાર અને કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘનના મામલે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી (DDO) યોગેશ કાપસે દ્વારા તેમને ફરી એકવાર સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે ગડખોલ ગ્રામ પંચાયતનો ચાર્જ તાત્કાલિક અસરથી ઉપસરપંચને સોંપવા સૂચના આપવામાં આવી છે.

ત્રીજી વખત સરપંચ પદેથી દૂર

મંજુલાબેન પટેલ સામે અગાઉ પણ નાણાકીય ગેરવ્યવહારના આક્ષેપોને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળ 25 જુલાઈ 2024ના રોજ તેમને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય સામે મંજુલાબેન પટેલે ગુજરાત હાઈકોર્ટ તેમજ અધિક વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરી હતી. ત્યારબાદ સ્ટે અને શરતી આદેશોના પગલે તેમને ફરી સરપંચ પદનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

19 ઓગસ્ટે અપીલનો આખરી નિર્ણય

આ મામલે અધિક વિકાસ કમિશનર, ગાંધીનગર સમક્ષ દાખલ કરવામાં આવેલી અપીલ નં. 21/2025 પર 19 ઓગસ્ટ 2026ના રોજ આખરી નિર્ણય આવ્યો હતો. અધિક વિકાસ કમિશનરે DDO દ્વારા અગાઉ કરવામાં આવેલા બરતરફીના હુકમને કાયમ રાખ્યો હતો. આ નિર્ણય બાદ હવે ભરૂચ DDO દ્વારા મંજુલાબેન પટેલ સામે ફરી કાર્યવાહી કરવામાં આવી છે.

24 ઓગસ્ટે DDOનો આદેશ

અધિક વિકાસ કમિશનરના આખરી નિર્ણય બાદ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે (IAS) દ્વારા 24 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ મળેલી સત્તાના આધારે મંજુલાબેન પટેલને પુનઃ સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે ગડખોલ ગ્રામ પંચાયતનો વહીવટી ચાર્જ તાત્કાલિક ઉપસરપંચને સોંપવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

અન્ય સભ્યો અને કર્મચારીઓની ભૂમિકા હોય તો તપાસના આદેશ

આ કેસમાં મહત્વની બાબત એ છે કે દસ્તાવેજી પુરાવા અને નાણાકીય ગેરવ્યવહારની તપાસ દરમિયાન જો પંચાયતના અન્ય કોઈ સભ્ય, પદાધિકારી અથવા કર્મચારીની ભૂમિકા સામે આવશે તો તેમની સામે પણ સ્વતંત્ર તપાસ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. સંબંધિત વ્યક્તિઓને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

ગડખોલ ગ્રામ પંચાયત ફરી ચર્ચામાં

ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ સામે વારંવાર થયેલી કાર્યવાહીથી આ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. અગાઉની કાર્યવાહી, અપીલ અને સ્ટે બાદ હવે અધિક વિકાસ કમિશનરના આખરી નિર્ણયને પગલે મંજુલાબેન પટેલને ફરી સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે. હવે ગડખોલ ગ્રામ પંચાયતનો વહીવટ ઉપસરપંચ સંભાળશે અને કેસમાં અન્ય કોઈની ભૂમિકા સામે આવે છે કે કેમ તેના પર પણ નજર રહેશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]