Get News Alerts

Never miss breaking news updates.

અંકલેશ્વરમાં બિસ્માર માર્ગ મુદ્દે રિક્ષાચાલકોનો અનોખો વિરોધ, ગટરના ખાડામાં બેસી તંત્ર સામે રોષ

Ankleshwar Bad Road Protest: અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડાને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ પર પડેલા મોટા ખાડા...
R Gajjar
R GajjarUpdated on: 26 Aug 2026 07:47 PM IST
અંકલેશ્વરમાં બિસ્માર માર્ગ મુદ્દે રિક્ષાચાલકોનો અનોખો વિરોધ, ગટરના ખાડામાં બેસી તંત્ર સામે રોષઅંકલેશ્વરમાં બિસ્માર માર્ગ મુદ્દે રિક્ષાચાલકોનો અનોખો વિરોધ, ગટરના ખાડામાં બેસી તંત્ર સામે રોષ

Ankleshwar Bad Road Protest

Ankleshwar Bad Road Protest: અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડાને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ પર પડેલા મોટા ખાડા અને ગટર કામગીરી માટે કરવામાં આવેલા ખોદકામના કારણે લોકોની હાલાકી વધી છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી ન થતાં રોષે ભરાયેલા રિક્ષાચાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

ગટરના ખાડામાં બેસી રિક્ષાચાલકોએ નોંધાવ્યો વિરોધ

ગડખોલ પાટિયાથી અંદાડા તરફ જતો માર્ગ વિસ્તારમાં મહત્વનો ગણાય છે. આ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અને મુસાફરો પસાર થાય છે. જોકે, રસ્તા પર પડેલા મોટા ખાડા અને ગટર કામગીરી માટે કરાયેલા ખોદકામના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રનું ધ્યાન દોરવા માટે રિક્ષાચાલકો રોડની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં બેસી ગયા હતા અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

વરસાદમાં ખાડા બન્યા વધુ જોખમી

હાલ વરસાદી માહોલ હોવાથી રોડ પરના ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે ખાડા દેખાતા નથી અને વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી જાય છે. ખાસ કરીને ટુ-વ્હીલર અને રિક્ષાચાલકો માટે આ માર્ગ પર પસાર થવું જોખમી બન્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું કામ કરીને ખાડા ખોદવામાં આવ્યા બાદ રસ્તો યોગ્ય રીતે પૂર્વવત કરવામાં આવ્યો નથી. જેના કારણે રોડની હાલત દિવસેને દિવસે વધુ ખરાબ બની રહી છે.

“35 વર્ષમાં પહેલીવાર આવો બિસ્માર રોડ જોયો”

અંદાડાના રહીશ અનિલ બાલુભાઈ પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “છેલ્લા 35 વર્ષથી આ રોડ પર રોજ અપડાઉન કરું છું, પરંતુ પહેલીવાર રોડની આવી બિસ્માર હાલત જોઈ છે.” તેમણે વધુમાં જણાવ્યું કે રોડ પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. ગટરનું ખોદકામ કર્યા બાદ રોડ અને તેની આસપાસનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

“રીક્ષાનો ખર્ચ કાઢવો કે હોસ્પિટલનો?”

રિક્ષાચાલકોએ પણ પોતાની મુશ્કેલી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રોડની હાલત એટલી ખરાબ છે કે રિક્ષા ચલાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. ખાડાઓના કારણે રિક્ષાને નુકસાન થઈ રહ્યું છે અને વાહનચાલકોને શારીરિક તકલીફો પણ વધી રહી છે. રિક્ષાચાલકોએ સવાલ ઉઠાવ્યો કે, “અમારે રિક્ષાના મેન્ટેનન્સનો ખર્ચ કાઢવો કે હોસ્પિટલનો?” રિક્ષાચાલકોએ માર્ગ જે વિભાગના હસ્તક આવતો હોય તે વિભાગ દ્વારા અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે.

માત્ર થીગડાં નહીં, ગુણવત્તાયુક્ત સમારકામની માંગ

સ્થાનિકોનું કહેવું છે કે રસ્તા પર માત્ર થીગડાં મારીને સમસ્યાનો કાયમી ઉકેલ આવશે નહીં. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા સાથે રોડનું ટકાઉ અને ગુણવત્તાસભર સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રિક્ષાચાલકો અને સ્થાનિક રહીશોએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવી શકે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]