Get News Alerts

Never miss breaking news updates.

કોલકાતામાં ‘અદાણી આરોગ્ય મંદિર’નો શિલાન્યાસ, બંગાળમાં રૂ. 1 લાખ કરોડથી વધુ રોકાણનો રોડમેપ

Adani Aarogya Mandir Kolkata: કોલકાતાના ન્યૂ ટાઉનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની હાજરીમાં 2,000 બેડની ક્ષમતા ધરાવતા ‘અદાણી આરોગ્ય મંદિર’નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. 51.75 એકરમાં વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટને...
R Gajjar
R GajjarUpdated on: 24 Sep 2026 05:07 PM IST
કોલકાતામાં  ‘અદાણી આરોગ્ય મંદિર’નો શિલાન્યાસ, બંગાળમાં રૂ. 1 લાખ કરોડથી વધુ રોકાણનો રોડમેપકોલકાતામાં  ‘અદાણી આરોગ્ય મંદિર’નો શિલાન્યાસ, બંગાળમાં રૂ. 1 લાખ કરોડથી વધુ રોકાણનો રોડમેપ

Adani Aarogya Mandir Kolkata

Adani Aarogya Mandir Kolkata: કોલકાતાના ન્યૂ ટાઉનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની હાજરીમાં 2,000 બેડની ક્ષમતા ધરાવતા ‘અદાણી આરોગ્ય મંદિર’નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. 51.75 એકરમાં વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટને મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ શિક્ષણ અને સંશોધન સાથે જોડાયેલા હેલ્થકેર કેમ્પસ તરીકે વિકસાવવાની યોજના છે.

અદાણી ગ્રુપના જણાવ્યા અનુસાર, આ સમગ્ર હેલ્થકેર પ્રોજેક્ટમાં રૂ. 4,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે અને હેલ્થકેર ઇકોસિસ્ટમમાં 10,000થી વધુ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. હોસ્પિટલમાં 2,000 બેડમાંથી 1,000 બેડ રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે રાખવામાં આવશે. પ્રોજેક્ટમાં હોસ્પિટલ ઉપરાંત મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, સંલગ્ન આરોગ્યસંભાળ અને પેરામેડિકલ શિક્ષણની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. મેડિકલ કોલેજમાં દર વર્ષે 150 અંડરગ્રેજ્યુએટ, 100થી વધુ પોસ્ટગ્રેજ્યુએટ અને 40થી વધુ સુપર-સ્પેશિયાલિસ્ટને તાલીમ આપવાની યોજના છે.

કેન્સર સારવાર અને અદ્યતન સંશોધન પર ભાર

‘અદાણી આરોગ્ય મંદિર’ના પ્રથમ તબક્કામાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેન્સર સારવાર સહિતની વિશિષ્ટ આરોગ્ય સેવાઓ પર ભાર મૂકવામાં આવશે. આ સાથે જીનોમિક્સ, પ્રિસિઝન મેડિસિન, બાયોમેડિકલ ઇન્ફોર્મેટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લિનિકલ ટ્રાયલ્સ અને મોલેક્યુલર બાયોમેડિકલ સાયન્સ જેવા ક્ષેત્રોમાં સંશોધન માટેની ઇકોસિસ્ટમ વિકસાવવાની યોજના છે.

આ પ્રોજેક્ટમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવાની સુવિધા સહિત ‘મેડિટેલ’ અને ‘વિશ્રામ ગૃહ’ જેવી સુવિધાઓ પણ સામેલ કરવામાં આવશે. હેલ્થકેર સ્ટાફ અને તેમના પરિવારો માટે રહેણાંક સુવિધા ઊભી કરવાની પણ યોજના છે. આ પ્રોજેક્ટ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા Mayo Clinic Global Consulting અને સિંગાપોરની SingHealth સાથે ક્લિનિકલ કેર, એકેડેમિક મેડિસિન, ડિજિટલ હેલ્થ, ગુણવત્તા, વર્કફોર્સ ડેવલપમેન્ટ અને ઇનોવેશન ક્ષેત્રે સહયોગ કરવામાં આવ્યો છે.

2035 સુધીમાં રૂ. 1 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષોમાં મોટા રોકાણનો રોડમેપ પણ જાહેર કર્યો છે. તેમણે 2035 સુધીમાં બંગાળમાં રૂ. 1 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણ પોર્ટ્સ, લોજિસ્ટિક્સ, વીજ ઉત્પાદન, પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, રસ્તા-પુલ, નવીનીકરણીય ઊર્જા અને હાઇપરસ્કેલ ડેટા સેન્ટર્સ સહિતના ક્ષેત્રોમાં કરવાની વાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આ પ્રોજેક્ટને પશ્ચિમ બંગાળના હેલ્થકેર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ માત્ર હોસ્પિટલ સંકુલ નહીં પરંતુ એક સંકલિત ‘હેલ્થકેર સિટી’ તરીકે વિકસાવવાની પરિકલ્પના છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટથી રાજ્યમાં મેડિકલ ટુરિઝમને વેગ મળી શકે છે.

કોલકાતાના હેરિટેજ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ પહેલ

અદાણી ગ્રુપ દ્વારા કોલકાતાના કુમારતુલી ઘાટના જીર્ણોદ્ધારમાં યોગદાન આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઐતિહાસિક રાઇટર્સ બિલ્ડિંગના પુનઃસ્થાપન અને દુર્ગા પૂજાની કલા-પરંપરાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે પશ્ચિમ બંગાળ સરકાર સાથે સહયોગની પહેલની પણ જાહેરાત કરવામાં આવી છે. આ રીતે હેલ્થકેર પ્રોજેક્ટ સાથે અદાણી ગ્રુપે પશ્ચિમ બંગાળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, સંશોધન અને સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી વિવિધ પહેલો માટે લાંબા ગાળાના રોકાણનો રોડમેપ રજૂ કર્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]