Valsadના રેલવે પ્રશ્નો મુદ્દે સાંસદ ધવલ પટેલની રજૂઆત, નવી ટ્રેનો અને સ્ટોપેજની માંગ



Valsad Railway Issues
Valsadના રેલવે પ્રશ્નો મુદ્દે સાંસદ ધવલ પટેલની રજૂઆત, નવી ટ્રેનો અને સ્ટોપેજની માંગ



Valsad Railway Issues
Valsad Railway Issues: વલસાડ લોકસભા વિસ્તારના મુસાફરોની સુવિધા અને રેલવે માળખાના વિકાસને લઈને સાંસદ ધવલભાઈ પટેલે મુંબઈના ચર્ચગેટ સ્થિત પશ્ચિમ રેલવેના મુખ્ય મથક ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકમાં નવી ટ્રેનો શરૂ કરવા, ટ્રેનોના સ્ટોપેજ, સ્ટેશનના વિસ્તૃતીકરણ અને મુસાફરોની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી.
સૌપ્રથમ, પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ સાંસદે આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ જૈન સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને પાલિતાણા સ્પેશિયલ ટ્રેનને નિયમિત કરવા તેમજ વલસાડ ખાતે શતાબ્દી એક્સપ્રેસને સ્ટોપેજ આપવા અંગે ચર્ચા કરી હતી. વલસાડ મુખ્ય રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમાવેશ કરવા અને પ્લેટફોર્મ નંબર-2નું વિસ્તૃતીકરણ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
કામદારો અને દૈનિક મુસાફરો માટે નવી ટ્રેનોની માંગ
દમણ, મહારાષ્ટ્ર અને ઉમરગામના કામદારોને ધ્યાનમાં રાખીને સુરતથી વલસાડ વચ્ચે સાંજે 7થી રાત્રે 11 વાગ્યા દરમિયાન ટ્રેન સુવિધા ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરવામાં આવી હતી. ઉમરગામ વિસ્તારમાં અંદાજે 1.20 લાખ શ્રમિકો કાર્યરત હોવાથી સંજાણ અને ભીલાડ સ્ટેશનોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અથવા જનતા એક્સપ્રેસ શરૂ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત, ઉમરગામથી સુરત વચ્ચે 4થી 5 નવી મેમુ (MEMU) ટ્રેનો શરૂ કરવા અને કોરોના કાળ દરમિયાન બંધ થયેલી મેમુ ટ્રેનોને અગાઉના સમયપત્રક મુજબ ફરી શરૂ કરવાની રજૂઆત કરાઈ હતી. આ પગલાંથી નોકરી-ધંધા માટે અવરજવર કરતા શ્રમિકો અને દૈનિક મુસાફરોને રાહત મળી શકે છે.
હેરિટેજ ટ્રેનથી મહિલા સુરક્ષા સુધીના મુદ્દા
સાંસદે નવસારી-ડાંગ વચ્ચે ચાલતી આશરે 120 વર્ષ જૂની ઐતિહાસિક ટ્રેનને સત્તાવાર રીતે 'હેરિટેજ ટ્રેન'નો દરજ્જો આપવાની માંગ કરી હતી. સાથે જ ડાંગ ખાતે રેલવે રિઝર્વેશન સેન્ટર શરૂ કરવા અને મહિલા મુસાફરોની સુરક્ષા તથા સુવિધા માટે વિશેષ મહિલા કોચ શરૂ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. વલસાડ લોકસભા વિસ્તારના મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળે, રેલવે કનેક્ટિવિટી વધે અને કામદારોની અવરજવર સરળ બને તે હેતુથી સાંસદ ધવલભાઈ પટેલે વિવિધ મુદ્દાઓ રેલવે તંત્ર સમક્ષ મૂક્યા હતા. હવે આ રજૂઆતોના આધારે પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર વિસ્તારના મુસાફરોની નજર રહેશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





