Vadodara News: ગ્રામ્ય પોલીસની પહેલ 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત 11 પરિવારોને મળ્યું પોતાના ઘરનું સપનું


Vadodara News
Vadodara News: ગ્રામ્ય પોલીસની પહેલ 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત 11 પરિવારોને મળ્યું પોતાના ઘરનું સપનું


Vadodara News
Vadodara News: વડોદરા ગ્રામ્ય પોલીસની સંવેદનશીલ પહેલ 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત લાંબા સમયથી અટવાયેલા 11 પરિવારોના મકાનના દસ્તાવેજોનો પ્રશ્ન ઉકેલાયો છે. જમીન માલિક અને ડેવલપર્સ વચ્ચેના વિવાદને કારણે મકાનના દસ્તાવેજોથી વંચિત રહેલા લાભાર્થીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે દસ્તાવેજો અને મકાનની ચાવીઓ સુપરત કરવામાં આવી હતી.
મૂળ જમીન માલિક અને ડેવલપર્સ વચ્ચે આંતરિક વિવાદ ચાલતો હતો
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પલાસવાડા ખાતે આવેલા ‘મીમ-સીટી’ પ્રોજેક્ટમાં 11 જેટલા અરજદારોએ મકાન બુક કરાવી તેની નક્કી કરેલી સંપૂર્ણ રકમ ચૂકવી દીધી હતી. જોકે, પ્રોજેક્ટના મૂળ જમીન માલિક અને ડેવલપર્સ વચ્ચે આંતરિક વિવાદ ચાલતો હોવાથી વર્ષોથી તેમને મકાનના કાયદેસરના દસ્તાવેજો મળી શક્યા નહોતા. પોતાની મહેનતની કમાણી ચૂકવ્યા બાદ પણ પોતાના હકના ઘરના દસ્તાવેજો નહીં મળતાં અરજદારોએ વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી હતી. પોલીસ અધિક્ષકે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ ડભોઈ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી હતી.
11 લાભાર્થીઓને મકાનના દસ્તાવેજો અને ચાવીઓ સોંપવામાં આવી
પોલીસે જમીનના મૂળ માલિક અને ડેવલપર્સ સાથે સંકલન સાધી બંને પક્ષો વચ્ચે બેઠકો યોજી હતી. બંને પક્ષોને વિશ્વાસમાં લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો. પોલીસની મધ્યસ્થીથી આશરે રૂપિયા 2.75 કરોડની કિંમતના તમામ 11 મકાનોના કાયદેસરના દસ્તાવેજો તૈયાર કરાવવામાં સફળતા મળી હતી. આ કામગીરીના પરિણામે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તમામ 11 લાભાર્થીઓને મકાનના દસ્તાવેજો અને ચાવીઓ સોંપવામાં આવી હતી.
પોતાના હકના ઘરના દસ્તાવેજો અને ચાવીઓ મળતાં લાભાર્થી પરિવારોમાં ખુશી જોવા મળી હતી. તેમણે ગુજરાત પોલીસ, રાજ્ય સરકાર અને નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા ગ્રામ્ય પોલીસની આ પહેલ સામાન્ય નાગરિકોના હિત અને અધિકારોના રક્ષણ માટેની સંવેદનશીલ કામગીરીનું ઉદાહરણ બની છે.





