Forest Employees Strike: વન રક્ષક કર્મચારી મંડળની હડતાળ પૂર્ણ, વન મંત્રીએ આપી લેખિત બાંહેધરી


Gandhinagar Forest Employees Strike News
Forest Employees Strike: વન રક્ષક કર્મચારી મંડળની હડતાળ પૂર્ણ, વન મંત્રીએ આપી લેખિત બાંહેધરી


Gandhinagar Forest Employees Strike News
Forest Employees Strike: ગુજરાતમાં વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા પડતર માગણીઓને લઈને શરૂ કરવામાં આવેલી હડતાળનો અંત આવ્યો છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે યોજાયેલી બેઠક બાદ લેખિત બાંહેધરી આપવામાં આવતા કર્મચારીઓએ હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ભવિષ્યમાં માગણીઓ અંગે લેખિત ઠરાવ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ કર્મચારી મંડળ દ્વારા આપવામાં આવી છે.
કર્મચારી મહામંડળના હોદ્દેદારોની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી
વન રક્ષક કર્મચારીઓ લાંબા સમયથી પોતાની વિવિધ પડતર માગણીઓના નિરાકરણની માગ કરી રહ્યા હતા. આ મામલે વન મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે સંયુક્ત કર્મચારી મહામંડળના હોદ્દેદારોની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન કર્મચારીઓના પાંચ મુખ્ય મુદ્દાઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં રિસ્ક એલાઉન્સ એટલે કે પ્રોત્સાહન ભથ્થું, રજા પગાર, ગ્રેડ પેમાં સુધારો, મહેકમમાં વધારો અને બદલીને લગતા પડતર પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દાઓ અંગે કર્મચારી આગેવાનોએ સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી.
રજા પગારના પ્રશ્નો હાલ નાણા વિભાગમાં પેન્ડિંગ
બેઠકમાં રિસ્ક એલાઉન્સ અને રજા પગારના પ્રશ્નો હાલ નાણા વિભાગમાં પેન્ડિંગ હોવાનું સામે આવ્યું હતું. આ મુદ્દાઓ સહિત અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ માટે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. વન મંત્રી તરફથી લેખિત બાંહેધરી મળતાં કર્મચારીઓએ હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો હતો. હડતાળ પૂર્ણ થતાં વન વિભાગની કામગીરી ફરી સામાન્ય બનવાની આશા છે. જોકે, કર્મચારી મંડળે સ્પષ્ટ કર્યું છે કે માત્ર આશ્વાસનથી પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે. જો ભવિષ્યમાં માગણીઓ અંગે લેખિત ઠરાવ કરવામાં નહીં આવે અને પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો કર્મચારીઓ ફરીથી ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હવે સરકાર દ્વારા આ પાંચેય મુદ્દાઓના નિરાકરણ માટે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે તેના પર કર્મચારીઓની નજર રહેશે.





