વડોદરામાં PM મોદીના કાર્યક્રમનો બમ્પર ક્રેઝ, 42 હજારથી વધુ લોકો વેઇટિંગ લિસ્ટમાં



PM Narendra Modi’s Vadodara Event
વડોદરામાં PM મોદીના કાર્યક્રમનો બમ્પર ક્રેઝ, 42 હજારથી વધુ લોકો વેઇટિંગ લિસ્ટમાં



PM Narendra Modi’s Vadodara Event
PM Narendra Modi’s Vadodara Event: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 સપ્ટેમ્બરે વડોદરામાં યોજાનારા કાર્યક્રમને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ માટે BookMyShow પર મફત રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. રજિસ્ટ્રેશન શરૂ થયાના માત્ર એક કલાકમાં જ તમામ સીટો બુક થઈ ગઈ હતી. ત્યારબાદ 42 હજારથી વધુ લોકોને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
પહેલીવાર BookMyShow મારફતે રજિસ્ટ્રેશન
વડોદરામાં વડાપ્રધાનના કાર્યક્રમમાં લોકોની ભાગીદારીનું સંચાલન કરવા માટે પહેલીવાર ખાનગી ડિજિટલ ટિકિટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજિસ્ટ્રેશન અને કાર્યક્રમમાં આવનારા લોકો માટેની વ્યવસ્થા સરળ બનાવવા BookMyShowનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 8 સપ્ટેમ્બરના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી ₹35 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ દરમિયાન તેઓ લોકોને સંબોધન પણ કરશે.
ડિજિટલ એન્ટ્રી સિસ્ટમથી થશે પ્રવેશ
કાર્યક્રમમાં ટેક્નોલોજી આધારિત એન્ટ્રી સિસ્ટમ ગોઠવવામાં આવી છે. રજિસ્ટ્રેશન કરાવનારા લોકોને તેમના BookMyShow એકાઉન્ટ મારફતે ડિજિટલ મોબાઇલ ટિકિટ મળશે. ટિકિટમાં લાઇવ અને સુરક્ષિત QR કોડ હશે, જેને સ્કેન કરીને પ્રવેશ આપવામાં આવશે. રજિસ્ટ્રેશનથી લઈને વેરિફિકેશન, સ્થળ પર પ્રવેશ અને બેઠક વ્યવસ્થા સુધીની પ્રક્રિયા ડિજિટલ રીતે કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થાનો હેતુ વેઇટિંગ ટાઇમ ઘટાડવા અને મોટી સંખ્યામાં આવનારા લોકોની અવરજવર સરળ બનાવવાનો છે.
WDFCના ત્રણ મહત્વપૂર્ણ સેક્શન દેશને સમર્પિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ દરમિયાન વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ સેક્શન દેશને સમર્પિત કરશે. કુલ 326 રૂટ કિલોમીટરમાં ફેલાયેલા આ સેક્શનના નિર્માણ પાછળ ₹20,700 કરોડથી વધુનો ખર્ચ થયો છે.
આ ત્રણ સેક્શનમાં:
ન્યૂ સાણંદ (નોર્થ)થી ન્યૂ મકરપુરા
ન્યૂ ઉમરગામથી ન્યૂ સફાળે
ન્યૂ સફાળેથી ન્યૂ JNPT
નો સમાવેશ થાય છે.
આ કોરિડોર શરૂ થવાથી એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કાર્ગોની અવરજવર ઝડપી બનવાની સાથે ઉદ્યોગો અને બંદરો વચ્ચેનું કનેક્ટિવિટી નેટવર્ક વધુ મજબૂત બનશે. સાથે જ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો અને મુંબઈના રેલવે નેટવર્ક પરનો ભાર ઓછો થવાની અપેક્ષા છે.
નવી ફ્રેઇટ અને પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી
PM મોદી ન્યૂ સાણંદ (નોર્થ), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ JNPT, મુંબઈથી ફ્રેઇટ સેવાઓને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત ટાંડા રોડ અને વડોદરા (પ્રતાપનગર) વચ્ચે પેસેન્જર ટ્રેનને પણ લીલી ઝંડી આપવામાં આવશે. વડાપ્રધાન જોબટ-ટાંડા રોડ રેલવે લાઇન પણ દેશને સમર્પિત કરશે. આ લાઇન છોટા ઉદેપુર-ધાર રેલવે પ્રોજેક્ટનો ભાગ છે અને તેના કારણે અલીરાજપુરના દૂરના આદિવાસી વિસ્તારો મોટા રેલવે નેટવર્ક સાથે જોડાશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



