Vadodara Cyber Crime: રૂપિયા 1.57 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, ચાર આરોપીઓની ધરપકડ

Vadodara Cyber Crime: વડોદરા શહેરની સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે રૂપિયા 1.57 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
Kunjan Shukla
Vadodara Cyber Crime NewsVadodara Cyber Crime News

Vadodara Cyber Crime News

Vadodara Cyber Crime: વડોદરા શહેરની સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે રૂપિયા 1.57 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સાયબર ઠગાઈમાં ઉપયોગમાં લેવાતા 360થી વધુ સિમકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સિમકાર્ડના આધારે 87થી વધુ ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.

400થી વધુ અલગ-અલગ કંપનીઓના સિમકાર્ડ હોવાનું તપાસમાં સામે આવ્યું

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે રૂપિયા 1.57 કરોડના રોકાણ સામે શરૂઆતમાં રૂપિયા 5.24 લાખ પરત કર્યા હતા. ઊંચા વળતરની લાલચમાં લોકો વધુ રોકાણ કરતા ગયા અને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપીઓ પાસે 400થી વધુ અલગ-અલગ કંપનીઓના સિમકાર્ડ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સિમકાર્ડ વડોદરામાંથી એક્ટિવેટ કરીને આરોપીઓ અન્ય વ્યક્તિઓને OTP આપતા હતા. આ OTPના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ એક્ટિવ કરવામાં આવતા હતા અને ત્યારબાદ આ ગ્રુપનો ઉપયોગ કરીને સાયબર ઠગાઈ કરવામાં આવતી હતી.

આરોપીઓ દરેક સિમકાર્ડ પાછળ 1200 રૂપિયા કમિશન મેળવતા

આરોપીઓ દરેક સિમકાર્ડ પાછળ આશરે રૂપિયા 1,200નું કમિશન મેળવતા હતા. પોલીસ તપાસ મુજબ, આ સિમકાર્ડનો ઉપયોગ હોંગકોંગ, ચીન અને અમેરિકામાં પણ થતો હતો. આ રીતે સ્થાનિક સ્તરે સિમકાર્ડ એક્ટિવેટ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી સાયબર છેતરપિંડીમાં મદદ કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે કરણ ભાષાની, આર્યન પંચાલ, સુબોધ શર્મા અને સર્વેશ પાટીલની ધરપકડ કરી છે. આરોપીઓએ ધોરણ 8 પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરી સિમકાર્ડના નેટવર્ક, આંતરરાષ્ટ્રીય કડીઓ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Surat News: કતારગામમાં રૂપિયા 30,000ની લેતીદેતીમાં મિત્રએ મિત્રની કરી ઘાતકી હત્યા