Navsari LCB Police: નવસારી LCBની મોટી કાર્યવાહી, કુખ્યાત 'સીકલકર ગેંગ'ના બે રીઢા ગુનેગાર ઝડપાયા, રૂપિયા 6.15 લાખનો મુદ્દામાલ જપ્ત


Navsari LCB Police
Navsari LCB Police: નવસારી LCBની મોટી કાર્યવાહી, કુખ્યાત 'સીકલકર ગેંગ'ના બે રીઢા ગુનેગાર ઝડપાયા, રૂપિયા 6.15 લાખનો મુદ્દામાલ જપ્ત


Navsari LCB Police
Navsari LCB Police: નવસારી જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી કુખ્યાત 'સીકલકર ગેંગ' સામે નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીની અનેક ઘટનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા ગેંગના બે રીઢા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓની ધરપકડ સાથે પોલીસે રૂપિયા 6.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઘરફોડ ચોરીની પાંચ ઘટનાઓમાં બંને આરોપીઓ વોન્ટેડ હતા
મળતી માહિતી અનુસાર, સુરત, વડોદરા સહિત મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીની પાંચ ઘટનાઓમાં બંને આરોપીઓ વોન્ટેડ હતા. નવસારી LCB પોલીસને મળેલી બાતમીના આધારે ગણદેવી તાલુકાના દેવસરથી ધકવાડા જવાના માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હિલચાલના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ બોબીસિંગ ઉર્ફે બચ્ચનસિંગ તીલપીતીયા અને જરનેલસિંગ ઉર્ફે જલ્લુ ટાંક તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ સામે અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં બોબીસિંગ ઉર્ફે બચ્ચનસિંગ સામે કુલ 14 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે જરનેલસિંગ ઉર્ફે જલ્લુ સામે 17 ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
ઘરફોડ ચોરીના વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા
આ બંને આરોપીઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેમની પાસેથી પોલીસે અંદાજે રૂપિયા 6.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓને વધુ તપાસ માટે બીલીમોરા પોલીસને સોંપવામાં આવ્યા છે. હવે પોલીસ દ્વારા આરોપીઓએ અન્ય કયા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે અને તેમની સાથે ગેંગના અન્ય કેટલા સભ્યો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. આ ધરપકડથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં થયેલી ઘરફોડ ચોરીના વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.





