Surat News: કતારગામમાં રૂપિયા 30,000ની લેતીદેતીમાં મિત્રએ મિત્રની કરી ઘાતકી હત્યા

Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં રૂપિયા 30,000ની લેતીદેતીના વિવાદમાં મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Kunjan Shukla
surat katargam murder case Newssurat katargam murder case News

surat katargam murder case News

Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં રૂપિયા 30,000ની લેતીદેતીના વિવાદમાં મિત્રએ જ મિત્રની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ મિત્રને પોતાના ઘરે બોલાવી તેની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે સમગ્ર મામલાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ

મળતી માહિતી મુજબ, સચિત્ર કુમાર નામના આરોપીએ રૂપિયા 30,000ની લેતીદેતીના મુદ્દે સંજય નામના પોતાના મિત્રને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ આરોપીએ સંજયના બંને હાથ બાંધી દીધા હતા. આ દરમિયાન મટન કાપવાના કોયતાનો ઉપયોગ કરીને તેનું ગળું કાપી નાખ્યું હતું અને માથું ધડથી અલગ કરી દીધું હતું. સામાન્ય નાણાકીય વિવાદમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મિત્રએ જ મિત્રની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોલીસથી બચવા માટે મૃતદેહના અલગ-અલગ ભાગોનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેણે માથા વગરનું ધડ ખ્રિસ્તી કબ્રસ્તાનની દીવાલ પરથી અંદર ફેંકી દીધું હતું. જ્યારે કપાયેલું માથું અલકાપુરી બ્રિજ પરથી નીચે રેલવે ટ્રેક પાસે આવેલી ઝાડીઓમાં ફેંકી દીધું હતું.

બીજી તરફ, ઘટનાની જાણ થતાં પોલીસ તપાસમાં જોડાઈ હતી. પોલીસે શોધખોળ હાથ ધરી કબ્રસ્તાનમાંથી મૃતકનું ધડ અને અલકાપુરી બ્રિજ નીચે રેલવે ટ્રેકની ઝાડીઓમાંથી કપાયેલું માથું કબજે કર્યું હતું. આ સાથે જ તપાસ દરમિયાન આરોપી સચિત્ર કુમારની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. માત્ર રૂપિયા 30,000ની લેતીદેતીના વિવાદમાં મિત્રએ જ મિત્રની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાની ઘટનાએ સુરતમાં ચકચાર જગાવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ અને સમગ્ર હત્યાકાંડ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Dahod Mobile Shop Theft: દાહોદમાં તસ્કરોનો આતંક! મહિલાઓના ગાઉન પહેરી મોબાઈલની દુકાનમાં ચોરી, CCTVમાં કેદ થયા શખ્સો