4 એકર હળદરથી વર્ષે ₹11 લાખની આવક! કાળુભાઈએ પ્રાકૃતિક ખેતી સાથે ખેત-પેદાશને બનાવી બ્રાન્ડ



Natural Farming Turmeric Value Addition
4 એકર હળદરથી વર્ષે ₹11 લાખની આવક! કાળુભાઈએ પ્રાકૃતિક ખેતી સાથે ખેત-પેદાશને બનાવી બ્રાન્ડ



Natural Farming Turmeric Value Addition
Natural Farming Turmeric Value Addition: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના 70 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અને ખેતપેદાશના મૂલ્યવર્ધનનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાળુભાઈએ સાબિત કર્યું છે કે ખેડૂત માત્ર પાકનું ઉત્પાદન જ નહીં, પરંતુ તેનું પ્રોસેસિંગ અને માર્કેટિંગ પણ જાતે કરે તો ખેતી વધુ આવકનો વ્યવસાય બની શકે છે.

4 એકરમાં પ્રાકૃતિક રીતે હળદરની ખેતી
કાળુભાઈ પટેલ પાસે કુલ 10 એકર જમીન છે. તેમાંથી 4 એકરમાં તેઓ છેલ્લા 13-14 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. કાગવડ ખાતે યોજાયેલા કૃષિ મેળામાં પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલી હળદર જોઈને તેમને આ પાક પ્રત્યે રસ જાગ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના પડતર ખેતરમાં એક એકરથી પ્રાકૃતિક પદ્ધતિથી હળદરનું વાવેતર શરૂ કર્યું હતું, જે આજે વધીને 4 એકર સુધી પહોંચ્યું છે.
કાચી હળદર વેચવાને બદલે કર્યું મૂલ્યવર્ધન
કાળુભાઈનું માનવું છે કે માત્ર કાચો માલ વેચવાને બદલે તેનું પ્રોસેસિંગ કરીને મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતને પોતાની મહેનતનું વધુ વળતર મળી શકે છે. આ માટે તેમણે આશરે ₹5 લાખના ખર્ચે પોતાના ઘરે હળદરનું પ્રોસેસિંગ યુનિટ સ્થાપ્યું છે. આ યુનિટમાં સ્ટીમ બોઈલર, પોલિશિંગ મશીન અને પલ્વરાઈઝરનો સમાવેશ થાય છે. આ માટે બાગાયત વિભાગ તરફથી તેમને આશરે ₹2.5 લાખની સહાય પણ મળી છે.

₹150ની હળદરને બનાવી ₹350નો પાવડર
કાળુભાઈ બજારમાં આશરે ₹150 પ્રતિ કિલોના ભાવે વેચાતી હળદરનું પ્રોસેસિંગ કરીને ₹350 પ્રતિ કિલોના ભાવે હળદર પાવડર વેચે છે. હળદરને પાણીમાં બાફવાને બદલે વરાળથી બાફવામાં આવે છે. ત્યારબાદ તેને આશરે એક મહિના સુધી સૂકવવામાં આવે છે. સૂકવ્યા બાદ પોલિશિંગ મશીનથી સાફ કરીને પલ્વરાઈઝર વડે પાવડર તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત કાળુભાઈ લીલી હળદરનું અથાણું અને હળદરનો મુખવાસ પણ તૈયાર કરે છે. લીલી હળદરના અથાણાનું વેચાણ આશરે ₹440 પ્રતિ કિલોના ભાવે કરવામાં આવે છે.
‘શક્તિ ઓર્ગેનિક’ બ્રાન્ડથી વેચાણ
કાળુભાઈ પોતાના ઉત્પાદનોનું ‘શક્તિ ઓર્ગેનિક’ નામથી બ્રાન્ડિંગ કરે છે. પરિવારના સભ્યોની મદદથી ઘરે જ ઉત્પાદનોનું પેકિંગ કરવામાં આવે છે. GOPCAનું ઓર્ગેનિક સર્ટિફિકેટ ધરાવતા ઉત્પાદનોનું વેચાણ તેઓ કોઈ મોટા જાહેરાત ખર્ચ વિના માઉથ-ટુ-માઉથ પ્રચારથી કરી રહ્યા છે. આ મૂલ્યવર્ધનના પરિણામે માત્ર 4 એકર હળદરની ખેતીમાંથી તેઓ વર્ષે આશરે ₹10થી ₹11 લાખની આવક મેળવી રહ્યા છે.
પાક વૈવિધ્યથી ખેતીમાં વધુ આવક
કાળુભાઈ માત્ર હળદરની ખેતી સુધી મર્યાદિત નથી. આઠ મહિનાની હળદરની ખેતી બાદ બાકીના સમયગાળામાં તેઓ મગ, તલ અને બાજરી જેવા ટૂંકા ગાળાના પાક લે છે. તેમની બાકીની 6 એકર જમીનમાં કપાસ અને તુવેરનું આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, તુવેરના મૂળ જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન ઉમેરે છે, જેના કારણે યુરિયા ખાતરની જરૂરિયાત ઘટે છે. પોટાશ માટે તેઓ આંકડાનો બોળો બનાવી જમીનમાં ભેળવે છે. પ્રાકૃતિક ખેતીના પરિણામે તેમની જમીનનો ઓર્ગેનિક કાર્બન આશરે 0.94 ટકા હોવાનું જણાવાયું છે.
શ્રેષ્ઠ ખેડૂત તરીકે અનેક સન્માન
કાળુભાઈ પટેલની આ સફળતાને ગુજરાત સરકાર દ્વારા પણ બિરદાવવામાં આવી છે. તેમને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ મળ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમને રાજ્ય કક્ષાના ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ’નો સંદેશ
અન્ય ખેડૂતોને પ્રેરણા આપતા કાળુભાઈ પટેલ કહે છે કે, “જમીનમાં દાણા વાવો અને પાક ઉગે એ પ્રકૃતિનો નિયમ છે. વધુ ઉત્પાદનની લાલચમાં જમીનમાં ઝેર નાખવું એ વિકૃતિ છે, જ્યારે ધરતી માતાને પોષણ આપીને તેની પાસેથી સાત્વિક આહાર મેળવી સમાજને પીરસવો એ આપણી સંસ્કૃતિ છે.” તેમના જણાવ્યા મુજબ, સરકાર તરફથી ખેડૂતોને મળતા પ્રોત્સાહન, પ્રેરણા અને સહાયથી ખેડૂતોની કામ કરવાની ધગશ વધુ વધે છે.
70 વર્ષની ઉંમરે પણ નવી શોધનો ઉત્સાહ
કાળુભાઈ પટેલ 70 વર્ષથી વધુ ઉંમરના હોવા છતાં ખેતીમાં સતત નવીનતા અપનાવી રહ્યા છે. પોતાની કોઠાસૂઝથી તેમણે એક ઓટોમેટિક વાવણીયું પણ તૈયાર કર્યું છે. કાળુભાઈની સફર એ વાતનું ઉદાહરણ છે કે પ્રાકૃતિક ખેતી સાથે ખેતપેદાશનું પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન અને બ્રાન્ડિંગ કરવામાં આવે તો ખેડૂત પોતાની આવકમાં વધારો કરી શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





