Surendranagar : તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડતાં અફરાતફરી, 4થી 5 લોકોને સામાન્ય ઈજા


Surendranagar
Surendranagar : તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડતાં અફરાતફરી, 4થી 5 લોકોને સામાન્ય ઈજા


Surendranagar
Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ તરણેતર મેળામાં આજે એક દુર્ઘટનાને પગલે થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો છે. મેળામાં લોકોની ભીડ વચ્ચે મોતના કૂવા તરીકે ઓળખાતા સ્ટંટના સ્થળના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ અચાનક તૂટી પડ્યું હતું. સ્ટેન્ડ તૂટી પડતાં આસપાસ હાજર લોકોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સ્ટેન્ડનો એક ભાગ અચાનક તૂટી પડ્યો
મળતી માહિતી મુજબ, મોતના કૂવાના આગળના ભાગમાં લોકોના ઊભા રહેવા અને કાર્યક્રમ નિહાળવા માટે બનાવવામાં આવેલા સ્ટેન્ડનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. સ્ટેન્ડ સાથે જોડાયેલી લોખંડની એંગલ પણ નમી જતાં ત્યાંથી પસાર થઈ રહેલા લોકો તેની ઝપેટમાં આવ્યા હતા. આ ઘટનામાં ચારથી પાંચ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
અચાનક બનેલી આ ઘટનાથી સ્થળ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે મેળો માણવા આવેલા કેટલાક લોકોએ સમયસૂચકતા દાખવીને નમી પડેલી લોખંડની એંગલને ટેકો આપી પકડી રાખી હતી. જેના કારણે એંગલ વધુ નીચે નમતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના બાદ આસપાસના લોકો દ્વારા ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ઇજાઓ સામાન્ય હોવાનું સામે આવ્યું છે.
સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા
તરણેતર મેળામાં મોટી સંખ્યામાં લોકો મેળો માણવા માટે આવતા હોય છે ત્યારે આવી ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. મેળામાં વિવિધ સ્ટોલ, મનોરંજનના સાધનો અને સાહસિક રમતોના સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે. આવી સ્થિતિમાં સ્ટ્રક્ચરની મજબૂતી અને સુરક્ષા વ્યવસ્થાની યોગ્ય ચકાસણી કરવામાં આવે તે જરૂરી બની રહે છે. હાલ આ ઘટનાને પગલે તંત્ર દ્વારા સ્થળની તપાસ કરવામાં આવે છે કે કેમ અને તૂટેલા સ્ટેન્ડ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : Junagadh : UPI ચાર્જ મુદ્દે વેપારીઓમાં રોષ, નિર્ણય સામે વ્યક્ત કરી નારાજગી





