Delhi Mumbai Expressway : અંકલેશ્વરથી કીમને જોડતા હાઈવે પર અડચણરૂપ હાઈટેન્શન ટાવર ખસેડાયો, વાહનચાલકોને થશે રાહત


Delhi Mumbai Expressway
Delhi Mumbai Expressway : અંકલેશ્વરથી કીમને જોડતા હાઈવે પર અડચણરૂપ હાઈટેન્શન ટાવર ખસેડાયો, વાહનચાલકોને થશે રાહત


Delhi Mumbai Expressway
Delhi Mumbai Expressway : દિલ્હીથી મુંબઈ સુધી બની રહેલા મહત્વાકાંક્ષી એક્સપ્રેસ હાઈવેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વરથી કીમને જોડતા એક્સપ્રેસ હાઈવે પર પીલુદરા ગામ નજીક હાઈવેની વચ્ચે જ અડચણરૂપ બનેલો હાઈટેન્શન ટાવર આખરે ખસેડી દેવામાં આવ્યો છે. ટાવર હાઈવેની વચ્ચે હોવાથી લાંબા સમયથી આ માર્ગને સાઈડમાંથી ડાયવર્ટ કરીને કામગીરી કરવામાં આવી રહી હતી. હવે એસ્સાર કંપની દ્વારા શટડાઉન લઈને ટાવર ખસેડી દેવામાં આવતા હાઈવે ઓથોરિટી દ્વારા રોડનું કામ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.
એસ્સાર કંપનીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હતી
દિલ્હીથી મુંબઈ સુધીના એક્સપ્રેસ હાઈવેનું કામ હાલ તબક્કાવાર ચાલી રહ્યું છે. અમદાવાદથી નવસારી સુધીનો એક્સપ્રેસ હાઈવે શરૂ થઈ ચૂક્યો છે, જ્યારે અંકલેશ્વરથી કીમને જોડતા હાઈવેનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ પીલુદરા ગામ નજીક એક હાઈટેન્શન ટાવર હાઈવેની બરાબર વચ્ચે આવી જતા મોટી અડચણ ઉભી થઈ હતી. ટાવર ખસેડવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા એસ્સાર કંપનીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, ટાવર ખસેડવાની કામગીરીમાં વિલંબ થતાં હાઈવેનો એક ભાગ સાઈડમાંથી ડાયવર્ટ કરીને કામ ચલાવવાની ફરજ પડી હતી.
એક્સપ્રેસ હાઈવેનું બાકીનું કામ પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું
બીજી તરફ ડાયવર્ટ કરાયેલા રોડનો એક ભાગ બેસી જતાં ટ્રાફિક વ્યવસ્થામાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. જેના કારણે હાઈવે ઓથોરિટીએ મુંબઈથી અમદાવાદ તરફના માર્ગ પર ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. હવે લાંબા સમયથી રહેલી આ અડચણ આખરે દૂર થઈ છે. એસ્સાર કંપની દ્વારા શટડાઉન લેવામાં આવ્યું અને હાઈવેની વચ્ચે રહેલો હાઈટેન્શન ટાવર ખસેડી દેવામાં આવ્યો. ટાવર હટતા હાઈવે ઓથોરિટી માટે રસ્તો સાફ થઈ ગયો છે અને હવે એક્સપ્રેસ હાઈવેનું બાકીનું કામ પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં રોડનું કામ પૂર્ણ થયા બાદ અંકલેશ્વરથી કીમ તરફનો આ એક્સપ્રેસ હાઈવે પણ વાહનચાલકો માટે ઝડપથી શરૂ થાય તેવી શક્યતા છે. એટલે કે, વર્ષોથી નહીં પરંતુ લાંબા સમયથી હાઈવેની વચ્ચે ઉભેલી મોટી અડચણ હવે હટી ગઈ છે અને એક્સપ્રેસ હાઈવેના કામને ગતિ મળવાની છે.
આ પણ વાંચો : Kheda : નડીયાદ SOGની કાર્યવાહી, રદ થયેલી રૂ.500ની 1,835 જૂની નોટો સાથે 2 ઝડપાયા





