Get News Alerts

Never miss breaking news updates.

કાચા માલના ભડકે બળતા ભાવ અને મંદી વચ્ચે સુરતના વીવર્સ ભીંસાયા, યાર્નના ભાવમાં 40% સુધીનો વધારો

Surat Textile Weavers Yarn Price: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાચા માલના વધતા ભાવ અને બજારમાં ચાલી રહેલી મંદીની બેવડી અસર જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનામાં યાર્નના ભાવમાં 35થી 40...
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 02:29 PM IST
કાચા માલના ભડકે બળતા ભાવ અને મંદી વચ્ચે સુરતના વીવર્સ ભીંસાયા, યાર્નના ભાવમાં 40% સુધીનો વધારોકાચા માલના ભડકે બળતા ભાવ અને મંદી વચ્ચે સુરતના વીવર્સ ભીંસાયા, યાર્નના ભાવમાં 40% સુધીનો વધારો

Surat Textile Weavers Yarn Price

Surat Textile Weavers Yarn Price: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કાચા માલના વધતા ભાવ અને બજારમાં ચાલી રહેલી મંદીની બેવડી અસર જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનામાં યાર્નના ભાવમાં 35થી 40 ટકા સુધીનો વધારો થતાં વીવર્સ પર ઉત્પાદન ખર્ચનો બોજ વધ્યો છે. બીજી તરફ, યાર્નના ભાવમાં થયેલા મોટા વધારા સામે તૈયાર ગ્રે કાપડના ભાવમાં માત્ર આશરે 10 ટકાનો વધારો થયો હોવાનું ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે. પરિણામે કાચા માલ અને તૈયાર માલના ભાવ વચ્ચેનું અંતર વધતાં વીવર્સના નફાના માર્જિન પર સીધી અસર પડી રહી છે.

15 દિવસમાં યાર્નનું પેમેન્ટ, કાપડના પૈસા 60થી 120 દિવસે

ટેક્સટાઇલ ઉદ્યોગમાં વીવર્સ માટે સૌથી મોટો પડકાર વર્કિંગ કેપિટલ અને કેશ ફ્લોનો બન્યો છે. યાર્ન ખરીદવા માટે માત્ર 15 દિવસની પેમેન્ટ ક્રેડિટ મળતી હોવાનું જણાવાય છે, જ્યારે વીવર્સ દ્વારા તૈયાર કરાયેલું કાપડ વેચાયા બાદ તેનું પેમેન્ટ 60થી 120 દિવસ સુધીમાં મળતું હોવાનો દાવો છે. આ સમયગાળાના તફાવતને કારણે નાના વીવર્સ માટે દૈનિક ધંધાકીય ખર્ચ અને વર્કિંગ કેપિટલ જાળવવી મુશ્કેલ બની રહી છે.

મોડા પેમેન્ટ પર 18% સુધીનું વાર્ષિક વ્યાજ

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, 15 દિવસ બાદ યાર્નનું પેમેન્ટ કરવામાં આવે તો કેટલાક સ્પિનર્સ દ્વારા મહિને 1.5 ટકા એટલે કે વાર્ષિક આશરે 18 ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવે છે. બીજી તરફ, બેંક લોન પરનો વ્યાજ દર આશરે 9 ટકા હોવા છતાં યાર્નના મોડા પેમેન્ટ પર ઊંચું વ્યાજ ચૂકવવું પડતું હોવાથી વીવર્સની નાણાકીય મુશ્કેલી વધુ વધી રહી છે.

ટ્રાન્સપોર્ટેશન ખર્ચથી પણ નફા પર અસર

યાર્નના ભાવ વધારા ઉપરાંત પરિવહન ખર્ચ પણ વીવર્સ માટે વધારાનો બોજ બની રહ્યો છે. પ્રતિ કિલો આશરે ₹2 યાર્નનું ભાડું તેમજ તૈયાર ગ્રે કાપડના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વીવર્સે જ ભોગવવો પડે છે. કાચા માલની ખરીદીથી લઈને તૈયાર કાપડના વેચાણ સુધી વધતા ખર્ચને કારણે નાના ઉદ્યોગકારો માટે નફાનું માર્જિન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે અને કેટલાક કિસ્સામાં નફો શૂન્યની નજીક પહોંચી રહ્યો હોવાનો ઉદ્યોગકારોનો દાવો છે.

50 હજારથી વધુ કારખાનેદારોમાં 70% નાના વીવર્સ

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં 50 હજારથી વધુ કારખાનેદારો હોવાનો અંદાજ છે, જેમાં આશરે 70 ટકા નાના વીવર્સ હોવાનું જણાવાય છે. હાલની પરિસ્થિતિમાં આ નાના યુનિટો વર્કિંગ કેપિટલ અને કેશ ફ્લોના સંકટનો સામનો કરી રહ્યા છે. યાર્નના વધતા ભાવ, લાંબી ક્રેડિટ સાયકલ, વ્યાજ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વચ્ચે નાના યુનિટો પર આર્થિક દબાણ વધી રહ્યું છે.

કેટલાક નાના યુનિટોમાં સાપ્તાહિક રજાઓ શરૂ

મંદી અને વધતા ઉત્પાદન ખર્ચની અસરને કારણે કેટલાક નાના ટેક્સટાઇલ યુનિટો બંધ થવાના આરે પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખર્ચ ઘટાડવા માટે કેટલાક કારખાનાઓમાં સાપ્તાહિક રજાઓ શરૂ કરી દેવામાં આવી છે. જો યાર્નના ભાવ, પેમેન્ટ સાયકલ અને તૈયાર ગ્રે કાપડના ભાવ વચ્ચે સંતુલન નહીં આવે તો આગામી સમયમાં નાના વીવર્સ માટે વર્કિંગ કેપિટલનું સંકટ વધુ ગંભીર બનવાની ચિંતા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]