Surat Liquor Raid: સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ, રૂપિયા 42.56 લાખનો મુદ્દામાલ જપ્ત

Surat Liquor Raid: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
Kunjan Shukla
Surat SMC Liquor Raid NewsSurat SMC Liquor Raid News

Surat SMC Liquor Raid News

Surat Liquor Raid: દિવાળીના તહેવારો દરમિયાન દારૂની હેરાફેરી અને વેચાણ સામે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ સહિત વાહનો, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા 42.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

દારૂ અને બીયરની કુલ 174 પેટી તથા 6,651 બોટલોનો સમાવેશ

મળતી માહિતી અનુસાર, સુરત-વડોદરા નેશનલ હાઈવે-48 પર હોટલ રોયલ ઈન સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન વિદેશી દારૂનો આશરે રૂપિયા 24.45 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં દારૂ અને બીયરની કુલ 174 પેટી તથા 6,651 બોટલોનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં હર્ષ પટેલ, રહે. કોચરવા, વાપી અને સોહન રાજવાટ, રહે. દમણનો સમાવેશ થાય છે.

પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

બંને આરોપીઓની અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો, મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે. આમ, સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂપિયા 42.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ, દમણના એક આરોપી સહિત અન્ય પાંચ માલ મગાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે પાલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ankleshwar GIDC Fire: અંકલેશ્વર GIDCમાં ભીષણ આગથી અફરાતફરી, કેમિકલ ડ્રમોમાં એક બાદ એક ધડાકા થયા