Aravalli Police: દિવાળીને લઈ અરવલ્લી પોલીસ એલર્ટ, 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ


Aravalli Police diwali security checking
Aravalli Police: દિવાળીને લઈ અરવલ્લી પોલીસ એલર્ટ, 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ


Aravalli Police diwali security checking
Aravalli Police: આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીની ઉજવણી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનાં સઘન પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં થતી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
સરહદો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
દિવાળીના તહેવારો દરમિયાન દારૂની હેરાફેરી, અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરફેર અટકાવવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. રાજસ્થાન અને દિલ્હી તરફથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લાની આશરે 10 આંતરરાજ્ય સરહદો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સરહદી વિસ્તારોમાંથી પસાર થતાં શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વાહનોમાં મુસાફરી કરતા શંકાસ્પદ વ્યક્તિઓ પર પણ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન દારૂની હેરાફેરી કરતા તત્વો પર નિયંત્રણ લાવવાનો અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી અટકાવવાનો છે. સરહદી વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને ચેકિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
આ અંગે અરવલ્લીના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આંતરરાજ્ય સરહદો પર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ સંપૂર્ણ સતર્ક બની છે. પોલીસ દ્વારા નાગરિકોને પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.





