Ankleshwar GIDC Fire: અંકલેશ્વર GIDCમાં ભીષણ આગથી અફરાતફરી, કેમિકલ ડ્રમોમાં એક બાદ એક ધડાકા થયા


Ankleshwar GIDC Shyam Enterprise Fire
Ankleshwar GIDC Fire: અંકલેશ્વર GIDCમાં ભીષણ આગથી અફરાતફરી, કેમિકલ ડ્રમોમાં એક બાદ એક ધડાકા થયા


Ankleshwar GIDC Shyam Enterprise Fire
Ankleshwar GIDC Fire: ભરૂચ જિલ્લાની અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમોમાં એક બાદ એક જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થતાં સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ હોવાનું જાણવા મળી રહ્યું છે કે ઘટનાસ્થળથી અંદાજે 5થી 7 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે.
લોકોમાં ભયનો માહોલ ફેલાયો
પ્રાથમિક માહિતી અનુસાર, શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમોમાં અચાનક આગ લાગી હતી. ત્યારબાદ એક પછી એક ડ્રમોમાં વિસ્ફોટ થવા લાગ્યા હતા. ધડાકાઓના અવાજથી આસપાસની કંપનીઓ અને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગના ધુમાડાના વિશાળ ગોટેગોટા દૂરથી પણ દેખાતા હોવાથી સમગ્ર વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.
તપાસ બાદ જ આગનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો સ્પષ્ટ થશે
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, કેમિકલ ભરેલા ડ્રમોમાં સતત વિસ્ફોટ થવાની સંભાવનાને કારણે આગ બુઝાવવાની કામગીરી પડકારજનક બની છે. આ ઘટનાને પગલે અનેક ગંભીર સવાલો પણ ઊભા થયા છે. કંપનીમાં કયા પ્રકારના કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો? ડ્રમોમાં વિસ્ફોટ થવાનું ચોક્કસ કારણ શું છે? કંપનીમાં ફાયર સેફ્ટીનાં પૂરતાં સાધનો અને સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ હતી કે નહીં? હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ, જાનહાનિ અને ઈજાગ્રસ્તો અંગેની સત્તાવાર વિગતો સામે આવી નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તપાસ બાદ જ આગનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: Aravalli Police: દિવાળીને લઈ અરવલ્લી પોલીસ એલર્ટ, 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ





