સુરતમાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું, 200થી વધુ પેકેટ સાથે શખ્સ ઝડપાયો



Surat Restricted Drugs Online Network
સુરતમાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું, 200થી વધુ પેકેટ સાથે શખ્સ ઝડપાયો



Surat Restricted Drugs Online Network
Surat Restricted Drugs Online Network: સુરતમાં પ્રતિબંધિત અને નશાકારક દવાઓના ઓનલાઇન વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સરથાણા પોલીસે ગોકુલમ આર્કેડમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડી નિકુંજ ગજેરા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ડોક્ટરની ચિઠ્ઠી વિના શિડ્યુલ H1 હેઠળ આવતી દવાઓનું મોટા પાયે ઓનલાઇન વેચાણ કરવામાં આવતું હતું.

ગોકુલમ આર્કેડની દુકાનમાં પોલીસનો દરોડો
સરથાણા પોલીસને પ્રતિબંધિત દવાઓના ઓનલાઇન વેચાણ અંગે માહિતી મળ્યા બાદ ગોકુલમ આર્કેડમાં આવેલી દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસને 200થી વધુ દવાના પેકેટ્સ મળી આવ્યા હતા. આ ઉપરાંત ઓનલાઇન દવાઓનું વેચાણ અને ઓર્ડર મેનેજમેન્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતા 3 લેપટોપ પણ પોલીસે જપ્ત કર્યા છે. સમગ્ર સામાનની તપાસ અને દવાઓના સ્ત્રોત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
તમિલનાડુમાં 1000થી વધુ ટાપેન્ટાડોલ ગોળીઓ મોકલી
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોપીએ તમિલનાડુમાં 1000થી વધુ ટાપેન્ટાડોલ ગોળીઓ મોકલાવી હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. આ ગોળીઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતી હોવાનો પણ પોલીસને શંકા છે. સમગ્ર ઓનલાઇન નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
કોલ્ડ્રિંક અને ફ્રૂટ જ્યુસમાં ભેળવી નશો કરતા હોવાનો ખુલાસો
તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે સ્કૂલ-કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ ટાપેન્ટાડોલ જેવી ગોળીઓને કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં ભેળવીને નશો કરતા હોવાની વિગતો સામે આવી છે. આ પ્રકારની દવાઓનો ડોક્ટરની ચિઠ્ઠી વિના ઉપયોગ અને વેચાણ ગંભીર બાબત હોવાથી પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે.
ડ્રગ્સ વિભાગની મદદથી દવાઓનું પરીક્ષણ
પોલીસે જપ્ત કરેલી દવાઓની તપાસ માટે ડ્રગ્સ વિભાગની મદદ લેવામાં આવી છે. હાલ દવાઓના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, જો તપાસમાં દવાઓમાં નાર્કોટિક્સ અંશ મળી આવશે તો આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.
ઓનલાઇન ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોણ સામેલ?
હાલ સરથાણા પોલીસે નિકુંજ ગજેરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે જપ્ત કરેલા લેપટોપ અને અન્ય ડિજિટલ સાધનોની તપાસ પણ હાથ ધરી છે. આ ઓનલાઇન નેટવર્ક ક્યાંથી સંચાલિત થતું હતું, દવાઓનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવતો હતો અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આવી દવાઓ પહોંચાડવામાં આવી છે તે અંગે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



