સુરતમાં દહીં હાંડીનો ધમધમાટ, 8 હજાર દહીં હાંડીઓનું આયોજન

Surat Dahi Handi 2026: જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સુરત શહેર આજે દહીં હાંડીના રંગે રંગાયું છે. સમગ્ર શહેરમાં અંદાજે 8 હજાર દહીં હાંડીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 35 હજાર...
Rupin Bakraniya
Rupin Bakraniya
Surat Dahi Handi 2026Surat Dahi Handi 2026

Surat Dahi Handi 2026

Surat Dahi Handi 2026: જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સુરત શહેર આજે દહીં હાંડીના રંગે રંગાયું છે. સમગ્ર શહેરમાં અંદાજે 8 હજાર દહીં હાંડીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 35 હજાર ગોવિંદા મંડળના સભ્યોએ ભાગ લીધો છે.

ભાગળ ચાર રસ્તા પર ભવ્ય દહીં હાંડી

ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે શહેરની મુખ્ય દહીં હાંડીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સીઆર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે. મુખ્ય દહીં હાંડી ફોડવા માટે મોટી સંખ્યામાં ગોવિંદા મંડળો ભાગળ ચાર રસ્તા ખાતે પહોંચ્યા છે.

35થી 40 ફૂટ ઊંચી દહીં હાંડી આકર્ષણનું કેન્દ્ર

ભાગળ ચાર રસ્તા ખાતે કુલ પાંચ જેટલી દહીં હાંડીઓ બાંધવામાં આવી છે. જેમાંથી બે દહીં હાંડી મહિલા ગોવિંદા મંડળના સભ્યો દ્વારા ફોડવામાં આવશે. જ્યારે અન્ય ગોવિંદા મંડળો દ્વારા 35થી 40 ફૂટ ઊંચી દહીં હાંડી ફોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ મુખ્ય દહીં હાંડી માટે 61 હજાર રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે.

હજારો લોકો રસ્તા પર ઉમટ્યા

દહીં હાંડીના ભવ્ય કાર્યક્રમને નિહાળવા માટે સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે હજારો લોકો ઉમટી પડ્યા છે. ગોવિંદા મંડળોના સભ્યો દ્વારા માનવ પિરામિડ બનાવી દહીં હાંડી ફોડવાના પ્રયાસોને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મોટી સંખ્યામાં લોકો અને ગોવિંદા મંડળો એકત્ર થતાં ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરત શહેરમાં વિવિધ સ્થળોએ યોજાયેલા દહીં હાંડીના કાર્યક્રમોથી જન્માષ્ટમીના પર્વનો માહોલ વધુ ઉત્સાહભર્યો બન્યો છે.