Surat News: કપાસની આયાત ડ્યુટીની મુક્તિ ન લંબાવવા PM મોદીને લખાયો પત્ર


Surat News
Surat News: કપાસની આયાત ડ્યુટીની મુક્તિ ન લંબાવવા PM મોદીને લખાયો પત્ર


Surat News
Surat News: કપાસના રૂ પરની 11 ટકા આયાત ડ્યુટીની મુક્તિ લંબાવવામાં ન આવે તેવી માગ સાથે દેલાડના જયેશભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે દેશના કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને કપાસની આયાત પર ફરીથી 11 ટકા ડ્યુટી લાગુ કરવા કેન્દ્ર સરકારને અપીલ કરી છે.
સ્થાનિક કપાસના ભાવમાં ઘટાડો થવાની શક્યતા
જયેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, જો કપાસના રૂ પરની આયાત ડ્યુટીની મુક્તિ લંબાવવામાં આવશે તો વિદેશી કપાસ સસ્તા ભાવે ભારતીય બજારમાં આવી શકે છે. તેના કારણે સ્થાનિક કપાસના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે, જેની સીધી અસર દેશના કપાસ ઉત્પાદક ખેડૂતોની આવક પર પડી શકે છે. તેમણે જણાવ્યું કે હાલ કપાસના રૂના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 7,500થી રૂપિયા 9,000ની આસપાસ મળી રહ્યા હોવાનો દાવો છે. જો આયાત ડ્યુટી મુક્તિ ચાલુ રહેશે તો ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 7,000 સુધી પહોંચી શકે તેવી આશંકા છે. આવી સ્થિતિમાં ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ વધી શકે
જયેશભાઈ પટેલે પત્રમાં વધુમાં રજૂઆત કરી છે કે કપાસના બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર અને મજૂરી સહિતના ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સમયે કપાસના ભાવમાં ઘટાડો થાય તો ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે. તેથી ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી મુક્તિ લંબાવવાનો નિર્ણય ન લેવો જોઈએ તેવી માગ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટેક્સટાઈલ ઉદ્યોગને રાહત આપવી જરૂરી હોઈ શકે છે, પરંતુ તેના માટે કપાસ ઉત્પાદક ખેડૂતોને નુકસાન થાય તે યોગ્ય નથી. દેશના 1.5 કરોડથી વધુ કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતોનું રક્ષણ થાય અને તેમને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કપાસની આયાત પર ફરીથી 11 ટકા ડ્યુટી લાગુ કરવામાં આવે તેવી માગ સાથે તેમણે વડાપ્રધાનનું ધ્યાન દોર્યું છે.
આ પણ વાંચો: Ahmedabad News: ઓઢવની નટરાજ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારીએ ફટકારી નોટિસ, નિયમ મુજબ કાર્યવાહી કરવાની આપી ચીમકી





