Surat News : સુરતમાં હૃદયદ્રાવક ઘટના, પાણીની ડોલમાં ડૂબી દોઢ વર્ષના બાળકનું મોત


Surat News ડોલમાં પડતા બાળકનું મોત થયું
Surat News : સુરતમાં હૃદયદ્રાવક ઘટના, પાણીની ડોલમાં ડૂબી દોઢ વર્ષના બાળકનું મોત


Surat News ડોલમાં પડતા બાળકનું મોત થયું
Surat News : ઘરમાં રમતા રમતા પાણીની ડોલ પાસે પહોંચેલા દોઢ વર્ષના માસૂમ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભેસ્તાન વિસ્તારમાં રહેતા પરિવારના દોઢ વર્ષના બાળક સુપ્રીત યાદવ સાથે આ દુર્ઘટના બની હતી. બાળક ઘરમાં રમતું હતું. તે દરમિયાન રમતા રમતા તે પાણી ભરેલી ડોલ પાસે પહોંચી ગયું હતું. બીજી તરફ બાળકની માતા પોતાના અન્ય બાળક સાથે ઘરના બીજા રૂમમાં હતી. માતા બીજા બાળકની સંભાળ રાખી રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
રમતા રમતા બાળક ડોલમાં પડી ગયું
થોડીવાર બાદ માતાને સુપ્રીત ઘરમાં ક્યાંય દેખાયો નહોતો. જેથી માતાએ ઘરના અલગ-અલગ રૂમમાં તેની શોધખોળ શરૂ કરી હતી. બાળકની શોધખોળ દરમિયાન જ્યારે માતાએ પાણીની ડોલ તરફ નજર કરી ત્યારે સુપ્રીત પાણીમાં ડૂબેલી હાલતમાં જોવા મળ્યો હતો.
આ દ્રશ્ય જોઈને માતા હેબતાઈ ગઈ હતી અને પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. બાળકને તાત્કાલિક પાણીની ડોલમાંથી બહાર કાઢીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોને આશા હતી કે સમયસર સારવાર મળવાથી બાળકનો જીવ બચી જશે. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. તબીબો દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
માત્ર દોઢ વર્ષની ઉંમરે માસૂમ બાળકનું આ રીતે અકાળે મોત થતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. ઘરમાં રમતા બાળક સાથે બનેલી આ દુર્ઘટનાએ આસપાસના વિસ્તારમાં પણ શોકની લાગણી ફેલાવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકનું મોત કયા સંજોગોમાં થયું અને ઘટનાની અન્ય વિગતો જાણવા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઘટના ફરી એકવાર નાના બાળકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. ઘરમાં પાણી ભરેલી ડોલ, ટબ કે અન્ય ખુલ્લાં પાણીનાં પાત્રો નાના બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી બાળકો ઘરમાં રમતાં હોય ત્યારે ખાસ તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.




