Surat International Airport : સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો, નવી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સની માગ

Surat International Airport : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
Vivek Shah
Vivek Shah
Surat International Airport  સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારોSurat International Airport  સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો

Surat International Airport સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો

Surat International Airport : વધતા હવાઈ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સુરત એરપોર્ટ પરથી નવી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવાની માંગ ઉઠી છે. હાલના રૂટ પર ફ્લાઈટ્સની સંખ્યા વધારવા તેમજ અગાઉ બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા માટે ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત’ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આંકડા મુજબ, વર્ષ 2024માં સુરત એરપોર્ટ પરથી કુલ 16.47 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. વર્ષ 2025માં મુસાફરોની સંખ્યા વધીને 18.10 લાખ થઈ હતી. જ્યારે વર્ષ 2026ના પ્રથમ નવ મહિનામાં જ 12.50 લાખ મુસાફરો સુરત એરપોર્ટ પરથી મુસાફરી કરી ચૂક્યા છે. મુસાફરોની સંખ્યામાં વધારાને પગલે એરપોર્ટ પર વધુ ફ્લાઈટ્સ અને નવા રૂટ શરૂ કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલના રૂટ પર ફ્લાઈટ્સ વધારવા રજૂઆત

‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત’ દ્વારા સુરત એરપોર્ટ પરથી નવી ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ હાલના રૂટ પર ફ્લાઈટ્સની આવર્તન સંખ્યા વધારવા અને અગાઉ બંધ થયેલી સેવાઓને પુનઃ શરૂ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. સુરતના વેપારીઓ, ઉદ્યોગકારો અને મુસાફરોને વધુ હવાઈ જોડાણ ઉપલબ્ધ થાય તે માટે આ માગ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ‘હબ એન્ડ સ્પોક ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશન્સ’ પહેલ હેઠળ આગામી 22 એરપોર્ટમાં સુરતનો સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ મોટા એરપોર્ટને મુખ્ય હબ તરીકે વિકસાવી અન્ય એરપોર્ટને તેની સાથે જોડવામાં આવશે. આ મોડલથી મુસાફરોને વધુ ફ્લાઈટ કનેક્ટિવિટી અને આંતરરાષ્ટ્રીય મુસાફરીના નવા વિકલ્પો મળી શકે છે.

2024માં 16.47 લાખ, 2025માં 18.10 લાખ મુસાફરો નોંધાયા

દ્વિપક્ષીય હવાઈ સેવા કરાર અને પોઈન્ટ્સ ઓફ કોલ અંગેની ચર્ચામાં પણ સુરતનો સમાવેશ થવાથી શહેર માટે નવી હવાઈ સેવાઓની શક્યતાઓ ઊભી થઈ છે. જો સુરતથી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ થાય તો હીરા ઉદ્યોગ, ટેક્સટાઈલ ક્ષેત્ર, વેપાર, ઉદ્યોગસાહસિકતા અને પ્રવાસન ક્ષેત્રને મોટો લાભ મળી શકે છે. સુરત દેશના મહત્વપૂર્ણ વેપારી અને ઔદ્યોગિક શહેરોમાંનું એક હોવાથી આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણ વધારવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે.

મુસાફરોની વધતી સંખ્યા અને શહેરના આર્થિક મહત્વને ધ્યાનમાં રાખીને સુરત એરપોર્ટ પરથી વધુ ફ્લાઈટ્સ શરૂ થાય તેવી આશા વેપારી વર્ગ અને મુસાફરો રાખી રહ્યા છે.

આ પણ વાંચો : Surat Fever Deaths : સુરતમાં તાવથી બે યુવકના મોત, રોગચાળાની સ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગ સામે સ્થાનિકોમાં રોષ