સુરત નવી સિવિલમાં 99મું સફળ અંગદાન: પવનકુમાર સેનના અંગદાનથી 4 દર્દીઓને મળશે નવજીવન


Surat Organ Donation
સુરત નવી સિવિલમાં 99મું સફળ અંગદાન: પવનકુમાર સેનના અંગદાનથી 4 દર્દીઓને મળશે નવજીવન


Surat Organ Donation
Surat Organ Donation: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 99મું સફળ અંગદાન નોંધાયું છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સુરતના કડોદરા-વરેલી ખાતે રહેતા 29 વર્ષીય પવનકુમાર સેનના અંગદાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાની આશા છે. પવનકુમારના હાર્ટ, લીવર અને બંને કિડનીનું દાન કરવામાં આવ્યું છે.
અકસ્માત બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા
મળતી માહિતી મુજબ, 15 ઓગસ્ટના રોજ સાંજે પરિવાર સાથે રિક્ષામાં મુસાફરી દરમિયાન જોલવા પંચાયત પાસે રિક્ષાને ટક્કર વાગતાં પવનકુમાર નીચે પટકાયા હતા. શરૂઆતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, માથાનો દુખાવો યથાવત રહેતા રાત્રે તેમને સ્મીમેર મેડિકલ કોલેજ લઈ જવાયા હતા. ત્યારબાદ પરિવારની સલાહ મુજબ અન્ય ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવવામાં આવી હતી. 16 ઓગસ્ટના રોજ બપોરે 3:28 વાગ્યે 108 એમ્બ્યુલન્સ મારફતે પવનકુમારને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ગંભીર સ્થિતિને પગલે તેમને ઇમરજન્સીમાંથી ICUમાં ખસેડીને સારવાર શરૂ કરવામાં આવી હતી.
18 ઓગસ્ટે બ્રેઈન ડેડ જાહેર કરાયા
સારવાર દરમિયાન પવનકુમારની સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. 18 ઓગસ્ટે બપોરે 4:45 વાગ્યે આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક, ન્યુરોલોજિસ્ટ ડૉ. પ્રયાગ મકવાણા અને ન્યુરો સર્જન ડૉ. કેયુર પ્રજાપતિ સહિતની તબીબી ટીમે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ ડૉ. નિલેશ કાછડીયા અને કાઉન્સેલર નિર્મલા કાથુડા સહિતની ટીમે પવનકુમારના પત્ની સુષ્માબેન, ભાઈઓ અને અન્ય પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારજનોએ ભારે હૈયે અંગદાન માટે સંમતિ આપી હતી.
હાર્ટ અમદાવાદ, કિડની અને લીવર પણ અમદાવાદ પહોંચાડાયા
બ્રેઈન ડેડ પવનકુમાર સેનના હાર્ટને અમદાવાદની CIMS હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું હતું. જ્યારે બંને કિડની અને લીવર અમદાવાદની KD હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. આ અંગોના ટ્રાન્સપ્લાન્ટથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને જીવનની નવી આશા મળશે.
પરિવારના નિર્ણયને તબીબી ટીમે બિરદાવ્યો
અંગદાન માટે ઓપરેશન થિયેટર તરફ લઈ જતાં પહેલાં ઈ. તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર અને નર્સિંગ સ્ટાફે અંગદાતાની પ્રાર્થનામાં ભાગ લીધો હતો. નવી સિવિલ હોસ્પિટલના ઈ. તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ તબીબો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને સ્વયંસેવકોએ સમગ્ર અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અંગદાન મહાદાન અભિયાનને જનજાગૃતિનું સ્વરૂપ આપનાર અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખનો પણ આ સેવાકાર્યમાં સહયોગ મળ્યો હતો.
પવનકુમારના અંગદાનથી ચાર જીવનમાં આશાની નવી કિરણ
29 વર્ષની નાની ઉંમરે પવનકુમાર સેનનું અવસાન પરિવાર માટે અત્યંત દુઃખદ ઘટના છે. પરંતુ પરિવારજનોએ દુઃખની ઘડીમાં અંગદાન માટે સંમતિ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના અંગદાનથી ચાર દર્દીઓને નવજીવન મળવાની તક ઊભી થઈ છે.




