સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ: પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ


Surat Medical College Ragging Case
સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ: પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ


Surat Medical College Ragging Case
Surat Medical College Ragging Case: સરકારી મેડિકલ કોલેજ, સુરતના રેગિંગ પ્રકરણમાં રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના આદેશ બાદ માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તાત્કાલિક અસરથી 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રેગિંગ રોકવામાં ગંભીર બેદરકારી બદલ કાર્યવાહી
સરકારી મેડિકલ કોલેજ, સુરત ખાતે માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પંડ્યા રેગિંગનો ભોગ બન્યાની ગંભીર ઘટના સામે આવી હતી. આ ઘટનાને રોકવામાં તથા પોતાની ફરજ અને શિસ્તબદ્ધ જવાબદારી નિભાવવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાના પગલે ડૉ. સુમૈયા મુલ્લા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તેમને 90 દિવસ માટે સેવામાંથી ફરજમોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
'રેગિંગ સામે ઝીરો ટોલરન્સ'
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ અથવા માનસિક ઉત્પીડન સાંખી લેવામાં આવશે નહીં. રાજ્ય સરકારની રેગિંગ સામે ઝીરો ટોલરન્સ નીતિ છે અને આગામી સમયમાં પણ આ નીતિ યથાવત રહેશે. મંત્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત કરનાર અથવા પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવનાર વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હોય, તેમની સામે કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
સસ્પેન્શન દરમિયાન વડોદરા રહેશે મુખ્ય મથક
સસ્પેન્શનના 90 દિવસના સમયગાળા દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા રહેશે. સક્ષમ નિયંત્રક અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં. આ ઉપરાંત સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી અથવા વ્યવસાય કરી શકશે નહીં. શરતોનો ભંગ કરવામાં આવશે તો તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું અટકાવવાની સાથે વધારાની શિસ્તવિષયક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
તમામ મેડિકલ કોલેજોમાં એન્ટિ-રેગિંગ વ્યવસ્થા વધુ મજબૂત કરાશે
ઘટના બાદ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં એન્ટિ-રેગિંગ કમિટી અને એન્ટિ-રેગિંગ સ્ક્વોડને વધુ સક્રિય અને સુદ્રઢ બનાવવાના આદેશ આપ્યા છે. તમામ મેડિકલ કોલેજોએ પોતાના પરિસરમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત, શિસ્તબદ્ધ અને ભયમુક્ત વાતાવરણ મળે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
સરકારનો સ્પષ્ટ સંદેશ
સુરત મેડિકલ કોલેજના આ પ્રકરણમાં થયેલી કાર્યવાહી દ્વારા રાજ્ય સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. રેગિંગ જેવી ગંભીર પ્રવૃત્તિ સામે જવાબદાર વ્યક્તિઓ તથા ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




