Surat : ગાંધીજીના ફોટાવાળી 500ની નોટ સાથે અશ્લીલ રીલ બનાવનાર મહિલાની કરાઈ ધરપકડ


Surat
Surat : ગાંધીજીના ફોટાવાળી 500ની નોટ સાથે અશ્લીલ રીલ બનાવનાર મહિલાની કરાઈ ધરપકડ


Surat
Surat : સુરતમાં રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરતી અશ્લીલ રીલ બનાવવાના મામલે સાયબર ક્રાઈમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મહાત્મા ગાંધીજીના ફોટાવાળી 500 રૂપિયાની ચલણી નોટ સાથે છેડછાડ કરીને જાતીય સંદર્ભ ધરાવતા હાવભાવ સાથે વીડિયો બનાવનાર મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે બનાવવામાં આવેલા આ વીડિયોને લઈને ભારે વિવાદ સર્જાયો હતો.
મહિલાના ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઝડપાયેલી મહિલા આરોપીની ઓળખ 47 વર્ષીય સિમરન અમિત પટેલ તરીકે થઈ છે. તે ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. આરોપીએ 500 રૂપિયાની નોટ પર છપાયેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટા સાથે બિભત્સ હાવભાવ અને જાતીય સંદર્ભ જોડીને રીલ બનાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી હતી.
કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે
તપાસ દરમિયાન આરોપી મહિલાની ઓળખ કરી અડાજણ વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા સુરતી આઈકોન ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ મામલે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વધુ લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની લાલચમાં કેટલાક લોકો રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન થાય તેવા વીડિયો બનાવતા હોય છે. ત્યારે સુરત સાયબર ક્રાઈમની આ કાર્યવાહી આવા કૃત્યો કરનારાઓ માટે ચેતવણી સમાન છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન અને સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Khedaના કપડવંજના ફતિયાબાદ પાસે નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ, શોધખોળ શરૂ




