Surat : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પણ સુરતમાં બુટલેગરો બેફામ! વોન્ટેડ આરોપીનો યુવકો પર છરાથી હુમલાનો પ્રયાસ

Surat : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં ગેરકાયદે દારૂના નેટવર્ક અને બુટલેગરો સામે પોલીસની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે.
Growth Now News
Growth Now News
SuratSurat

Surat

Surat ના ઓલપાડ તાલુકાના કઠોદરા ગામમાં ઇમરાન પટેલ ઉર્ફે મારઘી નામના શખ્સે ગામના કેટલાક યુવકો સાથે બબાલ કરી હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન તેણે કસાઈનો છરો લઈને યુવકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે ગામમાં પણ ચકચાર મચી હતી.

બુટલેગરો સામે ઢીલી નીતિનો આક્ષેપ!

મહત્વની વાત એ છે કે ઇમરાન પટેલ ઉર્ફે મારઘી કીમ ગામમાં આશરે બે મહિના પહેલા થયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCની રેડના કેસમાં વોન્ટેડ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આમ છતાં તે ખુલ્લેઆમ ફરી રહ્યો હોવાના આક્ષેપ બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગત રાત્રે થયેલી બબાલને લઈને યુવકોએ કીમ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હોવાની માહિતી સામે આવી છે.

ફરિયાદમાં યુવકો પર હુમલાના પ્રયાસ અને ધમકી સહિતની સમગ્ર ઘટનાની રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો છે. આ સમગ્ર મામલો એટલા માટે પણ મહત્વનો બની રહ્યો છે કારણ કે અગાઉ થયેલી SMCની રેડમાં કીમ પોલીસ મથકના PI અને ASI સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. હવે તે જ કેસમાં વોન્ટેડ ગણાતા આરોપી સામે ફરી ગંભીર આક્ષેપો થતાં પોલીસની કામગીરીને લઈને ચર્ચા તેજ બની છે.

કીમમાં બબાલ બાદ પોલીસમાં ફરિયાદ

સ્થાનિકોમાં એવો આક્ષેપ છે કે બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવા તત્વો વધુ બેફામ બની શકે છે. વોન્ટેડ આરોપી ખુલ્લેઆમ ફરતો હોવાનો દાવો સાચો હોય તો તેને ઝડપી પાડવામાં પોલીસ દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે પણ સવાલો ઊભા થયા છે. ભાવનગરની તાજેતરની લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાની પૃષ્ઠભૂમિમાં સુરત જિલ્લામાં ગેરકાયદે દારૂના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાની માંગ વધુ ઉગ્ર બની રહી છે.

સ્થાનિકોનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બુટલેગરો અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વોન્ટેડ આરોપીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી જોઈએ. હાલ કીમ પોલીસમાં લેખિત ફરિયાદ બાદ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને આરોપી સામે કઈ કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ થશે.