Surat Murder : સુરતમાં ફટાકડા ફોડવા બાબતે લોહિયાળ ખેલ, 24 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

Surat Murder : સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દિવાળીની ઉજવણી વચ્ચે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek Shah
Surat Murder સુરત લિંબાયત હત્યાSurat Murder સુરત લિંબાયત હત્યા

Surat Murder સુરત લિંબાયત હત્યા

Surat Murder : ફટાકડા ફોડવાની બાબતે થયેલી સામાન્ય માથાકૂટે હિંસક સ્વરૂપ ધારણ કરતાં 24 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, લિંબાયત વિસ્તારમાં આવેલી વૃંદાવન નગર-2 સોસાયટીમાં ગઈકાલે મોડી રાત્રે આશરે 10:30 વાગ્યે ફટાકડા ફોડવાની બાબતે વિવાદ થયો હતો. આ વિવાદમાં વિકાસભાઈ નામના 24 વર્ષીય યુવક અને અન્ય બે શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ગલીની બહાર નીકળતાં જ થયો વિવાદ

પ્રાથમિક માહિતી મુજબ, નિલેશ અને પંકજ નામના બે શખ્સોએ વિકાસ પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. બંને શખ્સો પણ વૃંદાવન નગર-2 સોસાયટીમાં જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ગલીની બહાર નીકળતાં જ શરૂ થયેલી માથાકૂટે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ હુમલામાં વિકાસને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચપ્પુના ઘા વાગતાં યુવકની હાલત અત્યંત ગંભીર બની હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ફટાકડા ફોડવા જેવી બાબતે શરૂ થયેલો વિવાદ હત્યા સુધી પહોંચતાં સ્થાનિક રહીશોમાં ભય અને આઘાતનો માહોલ જોવા મળ્યો હતો.

લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતીમાં નિલેશ અને પંકજ નામના બે શખ્સોનાં નામ સામે આવ્યાં છે. જોકે, આ મામલે બંનેની ચોક્કસ ભૂમિકા અને ઘટનાની સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ગંભીર ઘટનાએ ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં ઊભા થતા વિવાદો કેટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે તે દર્શાવ્યું છે. હાલ લિંબાયત પોલીસ દ્વારા હત્યાના બનાવ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Sabarkantha News : હિંમતનગરના ગામડી બ્રિજ પાસે સાબરદાણ ભરેલી ટ્રક પલટી, ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા