Surat : ગોવિંદભાઈ ધોળકિયાની કંપનીને ધમકી આપનાર શખ્સ પૂર્વ કર્મચારી નીકળ્યો, શેરબજારમાં દેવુ થતા માગી રૂ.25 લાખની ખંડણી



Surat
Surat : ગોવિંદભાઈ ધોળકિયાની કંપનીને ધમકી આપનાર શખ્સ પૂર્વ કર્મચારી નીકળ્યો, શેરબજારમાં દેવુ થતા માગી રૂ.25 લાખની ખંડણી



Surat
Surat : પોલીસ તપાસમાં ખંડણીની માગણી કરનાર વ્યક્તિ કંપનીનો જ પૂર્વ કર્મચારી હોવાનું સામે આવ્યું છે. શેરબજારમાં મોટું દેવું થઈ જતાં ટૂંકા રસ્તે પૈસા કમાવવાના ઇરાદે આરોપીએ આ કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, 19 ઓગસ્ટના રોજ કતારગામ સ્થિત SRK ડાયમંડ કંપનીની સિક્યુરિટી ઓફિસમાં અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિનેશ ભાર્ગવ તરીકે આપી હતી. ફોન પર કંપનીની નવી પેઢીની જાનની સલામતીના નામે 25 લાખ રૂપિયાની મોટી રકમની માગણી કરવામાં આવી હતી.
ખંડણી માગવાના કેસમાં પૂર્વ કર્મચારીની ધરપકડ
આરોપીએ ફોન દરમિયાન ગંભીર ધમકી આપતા જણાવ્યું હતું કે જો પૈસા નહીં આપવામાં આવે તો ટાર્ગેટ લોક થઈ જશે અને ત્યારબાદ કોઈ અર્થ નહીં રહે. ધમકીભર્યો ફોન મળતાં કંપનીની સુરક્ષા વ્યવસ્થામાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલે કંપનીના સિક્યુરિટી ઓફિસર રણજીતસિંહ જાડેજાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે કતારગામ પોલીસે BNSની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પીએસઆઈ એન.એસ. સાકરિયાની આગેવાની હેઠળ પોલીસે ધમકી આપવા માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ નંબરને આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો.
સિંગણપોરથી આરોપી ઝડપાયો
પોલીસની ટેક્નિકલ તપાસ અને મળેલી માહિતીના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન આરોપી સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી દેવ રેસિડેન્સીમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે દરોડો પાડી 35 વર્ષીય વિજય દિલીપ દેસાઈને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં આરોપી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દીક્ષર ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. વધુમાં, તે અગાઉ SRK ડાયમંડ કંપનીમાં કર્મચારી તરીકે કામ કરી ચૂક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. કંપની અંગેની અંદરની જાણકારી હોવાના કારણે તેણે ધમકી આપવાનું કાવતરું ઘડ્યું હોવાની આશંકા છે.
SRK ડાયમંડના પૂર્વ કર્મચારીએ જ આપી ધમકી
પ્રાથમિક તપાસ મુજબ, આરોપીને શેરબજારમાં મોટું દેવું થઈ ગયું હતું. આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવા માટે ટૂંકા રસ્તે મોટી રકમ મેળવવાના ઇરાદે તેણે કંપનીને ધમકી આપી 25 લાખની ખંડણી માગી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ કતારગામ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. ધમકી પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે કેમ અને આરોપીએ કંપની અંગે કઈ માહિતીનો ઉપયોગ કર્યો હતો તે સહિતના મુદ્દાઓ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : સાળંગપુરમાં દાદાનું શિવસ્વરૂપ દર્શન, હિમાલય થીમના શણગારે મોહી લીધા ભકતોને

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



