ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાની ‘ટેક સક્ષમ’ વર્કશોપનો શુભારંભ, AI-સાયબર સિક્યોરિટી પર ભાર



Tech Saksham Workshop Gujarat
ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાની ‘ટેક સક્ષમ’ વર્કશોપનો શુભારંભ, AI-સાયબર સિક્યોરિટી પર ભાર



Tech Saksham Workshop Gujarat
Tech Saksham Workshop Gujarat: ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે રાષ્ટ્રીય કક્ષાની એક દિવસીય ‘ટેક સક્ષમ’ વર્કશોપનો શુભારંભ કરવામાં આવ્યો હતો. NICSI અને NIC-ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ વર્કશોપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવી નવીન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

‘નવી ટેકનોલોજી નહીં અપનાવીએ તો સિસ્ટમ બિનઉપયોગી બનશે’
વર્કશોપના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે ડિજિટલ ટેકનોલોજી અને AIના ઉપયોગથી સરકારી કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનવી જોઈએ. તેમણે ટેકનોલોજી અપગ્રેડેશનની જરૂરિયાત પર ભાર મૂકતાં કહ્યું કે સમય સાથે નવી ટેકનોલોજી અપનાવવી જરૂરી છે, નહીં તો જૂની સિસ્ટમ ધીમે ધીમે બિનઉપયોગી બની શકે છે. તેમણે અધિકારીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં સતત શીખતા રહેવા અને નાગરિકો માટે ડિજિટલ સેવાઓ વધુ સરળ બનાવવા અપીલ કરી હતી.

‘આઈ ખેડૂત’ પોર્ટલની સફળતાનો ઉલ્લેખ
મંત્રીશ્રીએ ગુજરાતના ‘આઈ ખેડૂત’ પોર્ટલની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગત વર્ષે કમોસમી વરસાદ દરમિયાન ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત પેકેજ તથા ટેકાના ભાવે ખરીદી સહિતની મળીને આશરે રૂ.26,500 કરોડની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (GCAS)નો પણ ઉલ્લેખ કર્યો હતો. GCASમાં વોઈસ કમાન્ડ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

AI, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ પર તાલીમ
NICSIના મેનેજિંગ ડિરેક્ટર આલોક તિવારીએ ‘ટેક સક્ષમ’ને રાષ્ટ્રીય કક્ષાનો ક્ષમતા વર્ધન કાર્યક્રમ ગણાવ્યો હતો. વર્કશોપમાં સહભાગીઓને AI, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવા મહત્વના વિષયો અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારી વિભાગોને ભવિષ્યની ડિજિટલ જરૂરિયાતો માટે તૈયાર કરવા માટે NICSI દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભારતના ડિજિટલ વિકાસ પર પણ ચર્ચા
વર્કશોપમાં UIDAIના ડિરેક્ટર રાજેશ ગુપ્તાએ ‘ડિજિટલ ઇન્ડિયા’ના 11 વર્ષ પૂર્ણ થવા અંગે માહિતી આપી હતી. તેમણે ભારતના ડિજિટલ અર્થતંત્ર અને AI ક્ષેત્રે થઈ રહેલા વિકાસ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે UIDAI દરરોજ આશરે 9 કરોડ આધાર ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કરે છે. ગુજરાતે જાહેર વિતરણ પ્રણાલી (PDS)માં ફેસ ઓથેન્ટિકેશન લાગુ કરવામાં આગવી પહેલ કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઓનલાઇન છેતરપિંડી રોકવા અને ડિજિટલ સુરક્ષા વધારવા માટે AI અને LLM મોડલ્સના ઉપયોગ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
સરકારી અધિકારીઓને નવી ટેકનોલોજીથી સજ્જ કરવાનો હેતુ
ડિજિટલ એક્સેલન્સ પ્રોગ્રામ હેઠળ આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાની વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી વિભાગોના અધિકારીઓ અને ટેક્નિકલ નિષ્ણાતોને ઉભરતી ટેકનોલોજી અંગે સક્ષમ બનાવવાનો છે. ગુજરાતમાં યોજાયેલી આ વર્કશોપના માધ્યમથી સુરક્ષિત, નાગરિક કેન્દ્રિત અને વધુ અસરકારક ડિજિટલ ગવર્નન્સ માટે અધિકારીઓને તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત NICના સ્ટેટ ઇન્ફોર્મેટિક્સ ઓફિસર પ્રમોદ કુમાર સિંઘ, એડિશનલ સ્ટેટ ઇન્ફોર્મેટિક્સ ઓફિસર અતુલ ખુંટી, IIM લખનૌના પ્રોફેસર અરૂણભા મુખોપાધ્યાય સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, વિષય નિષ્ણાતો અને IT નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



