Surat : અડાજણમાં SOGનો સપાટો, હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો



Surat
Surat : અડાજણમાં SOGનો સપાટો, હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો



Surat
Surat : મધુરમ સર્કલ નજીક વોચ ગોઠવી SOGની ટીમે હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનો જથ્થો લઈ જઈ રહેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ 170 પેકેટ વિદેશી સિગારેટ સહિત અંદાજે રૂ.34 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, SOGની ટીમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ એક્ટિવા પર વિદેશી સિગારેટનો જથ્થો લઈને મધુરમ સર્કલ તરફથી પસાર થવાનો છે. બાતમીના આધારે ટીમે મધુરમ સર્કલ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ રીતે એક્ટિવા પર જતા એક વ્યક્તિને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી.
હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ વેચતો હતો
તપાસ દરમિયાન આરોપી પાસેથી વિદેશી સિગારેટના 170 પેકેટ મળી આવ્યા હતા. જેમાં ESSE LIGHTS, DJ ARUM BLACK અને MARLBORO GOLD જેવી સિગારેટનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આ સિગારેટના પેકેટ પર ફરજિયાત હેલ્થ વોર્નિંગ જોવા મળી નહોતી. પોલીસે ઝડપાયેલા આરોપીની ઓળખ નિતેશભાઈ અશોકભાઈ ભગવાગર, ઉંમર 47 વર્ષ, તરીકે કરી છે. આરોપી સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ સિગારેટનો જથ્થો મુંબઈના ક્રાફર્ડ માર્કેટમાંથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ જથ્થો સુરતમાં વિવિધ પાનના ગલ્લાઓ પર છૂપી રીતે વેચાણ કરવાનો હતો તેવી માહિતી પણ સામે આવી છે.
એસઓજી પોલીસે નોંધ્યો ગુનો
SOGની કાર્યવાહી બાદ સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કબજે કરાયેલા સિગારેટના જથ્થા અને વાહન અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ સિગારેટનો જથ્થો મુંબઈથી સુરત સુધી કેવી રીતે લાવવામાં આવ્યો, તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ અને સુરતમાં કોને-કોને આ જથ્થો સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટના જથ્થાની આ કાર્યવાહીએ સુરતમાં ગેરકાયદે સિગારેટના વેચાણને લઈને ફરી સવાલો ઉભા કર્યા છે. હાલ અડાજણ પોલીસ સમગ્ર મામલે તપાસ આગળ ધપાવી રહી છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




