Bardoli Family Murder Case : બારડોલી હત્યાકાંડમાં વધુ એક મૃતદેહ મળ્યો, સરભણની નહેરમાંથી 3 વર્ષના પ્રથમેશનો મૃતદેહ મળ્યો

Bardoli Family Murder Case : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભણ ગામે શ્રમજીવી પરિવારના સભ્યોની હત્યા કરીને નહેરમાં ફેંકી દેવાના ચોંકાવનારા કેસમાં વધુ એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે.
Vivek Shah
Vivek Shah
Bardoli Family Murder Case સરભણ ગામની નહેરમાંથી પ્રથમેશનો મૃતદેહ મળ્યોBardoli Family Murder Case સરભણ ગામની નહેરમાંથી પ્રથમેશનો મૃતદેહ મળ્યો

Bardoli Family Murder Case સરભણ ગામની નહેરમાંથી પ્રથમેશનો મૃતદેહ મળ્યો

Bardoli Family Murder Case : સરભણ ગામની નહેરમાંથી ત્રણ વર્ષના બાળક પ્રથમેશ પાટીલનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકના સગાઓએ મૃતદેહની ઓળખ પ્રથમેશ તરીકે કરી હતી. ફાયર વિભાગના જવાનોએ મૃતદેહને નહેરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ સમગ્ર ઘટના ગત 16 નવેમ્બરના રોજ બની હોવાનું સામે આવ્યું હતું. શ્રમજીવી પરિવારના છ સભ્યોને નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મામલો સામે આવ્યો હતો. આ કેસમાં નહેરમાંથી મૃતદેહો મળવાની પ્રક્રિયા અને પોલીસ તપાસ વચ્ચે હવે ત્રણ વર્ષના પ્રથમેશનો મૃતદેહ પણ મળી આવતાં ઘટનાની ગંભીરતા વધી છે.

મહારાષ્ટ્રથી ઝડપાયેલા આરોપીના 8 દિવસના રિમાન્ડ

બીજી તરફ, આ કેસમાં પોલીસે મહારાષ્ટ્રથી એક આરોપી દયાનંદ ઉર્ફે ખાંડ્યાની ધરપકડ કરી છે. પોલીસે તેને જલગાંવથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે વધુ તપાસ માટે તેના આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસ તપાસમાં આ સમગ્ર ઘટનામાં વીમા પોલિસી સાથે જોડાયેલા કથિત કૌભાંડનો એંગલ સામે આવ્યો હોવાનું અનુમાન છે. પોલીસને આશંકા છે કે મૃતક કવિતાના પ્રથમ પતિના મૃત્યુને અકસ્માત તરીકે દર્શાવી વીમાની રકમ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રથમ પતિના અવસાન બાદ કવિતાએ કોર્ટમાં બોગસ ક્લેમ કર્યો હોવાની પણ તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

6 સભ્યોની હત્યા કેસમાં વધુ એક મૃતદેહ મળતાં ખળભળાટ

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, કથિત વીમા કૌભાંડનો ભાંડો ફૂટવાની આશંકાને પગલે તેમાં સંડોવાયેલા લોકોએ પરિવારની હત્યા કરીને સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. જોકે, આ તમામ બાબતો હાલ તપાસના તબક્કે છે અને તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. આઠ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીની પૂછપરછ કરીને હત્યા પાછળનું ચોક્કસ કારણ, અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અને વીમા પોલિસી સાથે જોડાયેલા વ્યવહારો અંગે તપાસ કરશે.

સરભણની નહેરમાંથી ત્રણ વર્ષના પ્રથમેશનો મૃતદેહ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. હવે પોલીસ તપાસમાં આ પરિવારના અન્ય સભ્યોના મૃત્યુ અને કથિત વીમા કૌભાંડ વચ્ચે શું સંબંધ છે તે બહાર આવે તેની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો : HYROX Gujarat Harsh Sanghvi : ગાંધીનગરમાં HYROX ગુજરાતનું ભવ્ય આયોજન, 6000થી વધુ ખેલાડીઓએ નોંધાવ્યું નામ