Karnataka Boat Accident: સુરતના પ્રવાસી દંપતીનું કર્ણાટકમાં બોટ દુર્ઘટનામાં મોત, બે બાળકોનો આબાદ બચાવ

Karnataka Boat Accident: કર્ણાટકના કુશાલનગર નજીક આવેલા હારંગી બેકવોટર્સમાં બોટ પલટી જવાની ઘટનામાં સુરતના દંપતીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
Kunjan Shukal
Kunjan Shukal
Karnataka Boat Accident Surat Couple DiesKarnataka Boat Accident Surat Couple Dies

Karnataka Boat Accident Surat Couple Dies

Karnataka Boat Accident: સુરતના એક પ્રવાસી પરિવાર માટે કર્ણાટકનો પ્રવાસ ગમખ્વાર દુર્ઘટનામાં ફેરવાયો છે. કર્ણાટકના કુશાલનગર નજીક આવેલા હારંગી બેકવોટર્સમાં બોટ પલટી જવાની ઘટનામાં સુરતના દંપતીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે તેમની સાથે બોટમાં સવાર બે બાળકોનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનાને પગલે સુરત સહિત પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

પાણીમાં ડૂબી જવાના કારણે બંનેના કરુણ મોત નીપજ્યા

મળતી માહિતી મુજબ, સુરતના ધર્મેશ નાયક અને તેમની પત્ની નિમ્મી નાયક પરિવાર સાથે કર્ણાટકના પ્રવાસે ગયા હતા. તેઓ પોતાના બે બાળકો મનોજ અને દિવંસીને લઈને કુશાલનગર નજીક આવેલા હારંગી ડેમના બેકવોટર્સ વિસ્તારમાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સની મુલાકાતે પહોંચ્યા હતા. પરિવાર વોટર સ્પોર્ટ્સની મજા માણવા માટે બોટિંગ કરી રહ્યો હતો. જોકે, આ દરમિયાન અચાનક બોટ વળાંક લેતી વખતે સંતુલન ગુમાવી બેઠી હતી અને પાણીમાં પલટી ગઈ હતી. બોટ પલટી જતાં તેમાં સવાર પરિવારના ચારેય સભ્યો પાણીમાં ગરકાવ થયા હતા. આ દુર્ઘટના દરમિયાન બંને બાળકો મનોજ અને દિવંસીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, ધર્મેશ નાયક અને નિમ્મી નાયક બોટની નીચે ફસાઈ જતાં બહાર નીકળી શક્યા નહોતા. પાણીમાં ડૂબી જવાના કારણે બંનેનાં કરુણ મોત નીપજ્યા હતા.

પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો

ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ દંપતીના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અને કાયદેસરની આગળની કાર્યવાહી માટે કુશાલનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એક જ દુર્ઘટનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બંને બાળકોનો બચાવ થયો છે, પરંતુ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પ્રવાસ દરમિયાન બનેલી આ કરુણ ઘટનાને પગલે સુરતના પ્રવાસી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બોટ પલટી જવાના ચોક્કસ કારણો અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.

આ પણ વાંચો: Banaskantha Tripal Accident: ડીસાના બનાસ નદીના પુલ પર ત્રિપલ અકસ્માત, ચાર આર્મી જવાનો ઈજાગ્રસ્ત