Surat : સફાઈ કર્મીઓના જર્જરિત આવાસમાં 200થી વધુ પરિવારોના જીવ જોખમમાં

Surat ને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સફાઈ કર્મચારીઓ આજે પોતાના જ ઘરમાં અસુરક્ષિત જીવન જીવવા મજબૂર બન્યા હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે.
Vivek Shah
Vivek Shah
SuratSurat

Surat

Surat : શહેરના ઉમરા વિસ્તારમાં આવેલા નિર્મળનગર આવાસમાં રહેતા 200થી વધુ પરિવારો જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ડો. બાબાસાહેબ આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2008માં આ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જોકે, નિર્માણના અંદાજે 18 વર્ષ બાદ સમગ્ર બિલ્ડિંગની હાલત જર્જરિત બની ગઈ હોવાની ફરિયાદ રહીશો દ્વારા કરવામાં આવી છે.

સફાઈ કર્મીઓના મકાનો બન્યા જોખમી

નિર્મળનગર આવાસમાં જ્યાં નજર કરો ત્યાં દીવાલો અને છત પર તિરાડો જોવા મળી રહી છે. અનેક સ્થળોએ સ્લેબના પોપડા પડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. કેટલીક દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ હોવાથી રહીશોમાં ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ જોવા મળી રહી છે.

આવાસમાં રહેતા પરિવારોનું કહેવું છે કે, મકાનની હાલત દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ખાસ કરીને સ્લેબ અને દીવાલોની સ્થિતિને લઈને પરિવારજનોમાં ચિંતા વધી છે. નાના બાળકો અને વૃદ્ધો સહિત પરિવારના સભ્યો માટે આ પ્રકારના જર્જરિત મકાનોમાં રહેવું જોખમી બની શકે છે. સુરતને સ્વચ્છ અને સુંદર રાખવા માટે દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મીઓ માટે જ જો રહેવાની જગ્યા સુરક્ષિત ન હોય તો તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

સફાઈ કર્મીઓની મનપા સમક્ષ રજૂઆત

નિર્મળનગર આવાસના રહીશોએ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને લેખિતમાં રજૂઆત કરી છે. રહીશોએ જર્જરિત આવાસનું તાત્કાલિક રીડેવલપમેન્ટ કરવામાં આવે અને ત્યાં સુધી અસરગ્રસ્ત પરિવારો માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. રહીશોએ એવી પણ રજૂઆત કરી છે કે જ્યાં સુધી જર્જરિત મકાનો ખાલી કરાવી સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી મોટી દુર્ઘટનાની શક્યતા નકારી શકાય નહીં.

‘નિર્મળનગરના કોઈ સફાઈ કર્મચારી કે તેમના પરિવારનો ભોગ લેવાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે’ તેવી લાગણી સાથે રહીશોએ મનપા સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. હવે મનપા દ્વારા આ આવાસની ટેક્નિકલ તપાસ કરવામાં આવે છે કે નહીં અને રહીશોની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Vadodara ના નંદેસરીમાં ભીષણ આગ, 4 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા